ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાંક દિવસોથી ચાલી રહેલા સતત વરસાદના કારણે હાલત કફોડી બની છે. શુક્રવારે મોડી રાત્રે રૂદ્રપ્રયાગ જિલ્લાના કેદારઘાટીમાં આવેલા રુમસી ગામમાં વાદળ ફાટવાની ઘટનાએ તબાહી મચાવી છે. વિસ્ફોટક વરસાદના કારણે ઘણાં ઘરો, દુકાનો અને વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા છે. જીવલેણ સ્થિતિ સર્જાતા બચાવ અને રાહત કાર્ય માટે તાત્કાલિક એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ હતી. સામેથી આવતી હૃદયવિદારે તસવીરોમાં ઘરો, બાઇક અને વાહનો ભૂસ્ખલનના કાટમાળ નીચે દટાયેલા જોવા મળે છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે.
🔴#BREAKING | रुद्रप्रयाग: केदारघाटी में बादल फटने से तबाही, कई घर और गाड़ियां मलबे में दबे#Kedarghati #Cloudburst #Rudraprayag #Uttarakhand #Disaster
Kedarghati, cloudburst, Uttarakhand, natural disaster, heavy rain, landslide, rescue operations, Rumsi village pic.twitter.com/Z4WBM5pzJN
— One India News (@oneindianewscom) July 26, 2025
વરસાદ અને ભૂસ્ખલનના કારણે માત્ર રુમસી ગામ જ નહીં, પણ આખા રૂદ્રપ્રયાગ જિલ્લામાં સામાન્ય જનજીવન ઊંધું થઈ ગયું છે. અનેક માર્ગો બંધ થઈ ગયા છે, જેથી પરિવહન અને યાત્રાના સાધનો બંધ પડી ગયા છે. વિશેષ કરીને કેદારનાથ ધામ તરફ જતો મુખ્ય ફૂટપાથ ગૌરીકુંડ નજીકની ટેકરીમાં તિરાડ પડવાથી બંધ કરી દેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક યાત્રા રોકવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે દહેરાદૂન, પૌરી, ટિહરી, નૈનિતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની આગાહી કરી છે. પરિણામે દહેરાદૂન જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીના સ્તર પણ ઝડપથી વધતા જઈ રહ્યા છે, જેના કારણે તળેટીના વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે.
સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે પવિત્ર કેદારનાથ ધામની યાત્રા પર અસર પડવાને કારણે તેમના વ્યવસાય પર પણ માઠી અસર થઈ છે, કારણ કે યાત્રાળુઓની સંખ્યા સતત ઘટી રહી છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈને રાજ્ય સરકાર અને જિલ્લાપ્રશાસન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને જરૂર પડ્યે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની પણ તૈયારી રાખવામાં આવી છે.