જમ્મુ અને કાશ્મીરના પુંચ જિલ્લાના એલઓસી નજીક આજે એક દુખદ ઘટના બની, જેમાં લેન્ડમાઇન વિસ્ફોટમાં એક અગ્નિવીર જવાન શહીદ થયો અને બે અન્ય ઘાયલ થયા. આ દુર્ઘટના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બની હતી, જ્યાં જૂની લેન્ડમાઇન અચાનક વિસ્ફોટ થઈ ગઈ. શહીદ થયેલા જવાન લલિત કુમાર ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના રહેવાસી હતા અને તેઓ 7 જાટ રેજિમેન્ટમાં સેવા બજાવતા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા એક જેસીઓ સહિત બે જવાનોને તાત્કાલિક લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં તેમના સારવાર ચાલુ છે અને હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
સેનાએ આ ઘટનાને આતંકી હુમલો માનવાનો ઈનકાર કરતાં કહ્યું છે કે, આ એક જૂની લેન્ડમાઇનનો વિસ્ફોટ હતો અને તેમાં TRF (The Resistance Front) એંગલ જોવા મળતો નથી. વ્હાઇટ નાઈટ કોર્પ્સે આ ઘટનાની પુષ્ટિ કરતા X (એક્સ) પર પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે શહીદ લલિત કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવારે પ્રત્યે સમવેદના વ્યક્ત કરી હતી.
#GOC #WhiteKnightCorps and all ranks pay solemn tribute to Agniveer Lalit Kumar, who made the supreme sacrifice, while on an area domination patrol in general area of #Krishna Ghati brigade on 25 July 2025, following a mine blast.
We stand with the bereaved family in this hour of… pic.twitter.com/kA0VSNl5Qp
— White Knight Corps (@Whiteknight_IA) July 25, 2025
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ શહીદ લલિત કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, “હું અગ્નિવીર લલિત કુમારને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે રાષ્ટ્રસેવામાં સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમના પરિવાર માટે મારી ઊંડી સમવેદના છે. આ દુખની ઘડીમાં આખો દેશ તેમના પરિવાર સાથે મજબૂતીથી ઉભો છે.”
આ ઘટના એક વખત ફરી સાબિત કરે છે કે સરહદ પર સેવા બજાવતા જવાનો સતત જોખમના છાંયામાં પોતાના જીવને તાકે રાખીને દેશની રક્ષા કરી રહ્યા છે.