ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાની મુલાકાત દરમિયાન વોશિંગ્ટનમાં વર્લ્ડ બેંક ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતની વિકાસયાત્રા અને ગિફ્ટ સિટીનું વૈશ્વિક વિઝન રજૂ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસ, અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક મૂડીના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની રાજ્ય સરકારની દિશા અંગે માહિતી આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમિયાન ગિફ્ટ સિટીની અત્યાર સુધીની વિકાસયાત્રા, તેની આંતરરાષ્ટ્રીય નાણાકીય ક્ષમતા અને આગામી તબક્કાના વિસ્તરણ અંગે વર્લ્ડ બેંકના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી.
વહીવટથી કૃષિ સુધી AIનો ઝડપી અમલ કરવાની તૈયારી
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને માત્ર IT ક્ષેત્ર પૂરતું મર્યાદિત રાખવા માંગતી નથી. રાજ્ય સરકાર વહીવટ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને જનસેવા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં AIનો વ્યાપક અને ઝડપી ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે જણાવ્યું કે AI માત્ર નવી ટેકનોલોજી નથી, પરંતુ વિકાસની ગતિ વધારવાનું અસરકારક સાધન બની શકે છે. ભારત જેવા ઝડપથી વિકાસ કરતા દેશમાં AI દ્વારા નિર્ણય પ્રક્રિયા વધુ અસરકારક બનાવી શકાય છે અને લોકો સુધી સેવાઓ વધુ ઝડપથી પહોંચાડી શકાય છે.
Held a productive roundtable discussion at the World Bank headquarters in Washington D.C.
Guided by the visionary leadership of Hon'ble Prime Minister Shri Narendra Modi, highlighted Gujarat’s legacy of prudent financial management, fiscal discipline, and robust economic… pic.twitter.com/6KoWZqvPlE
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2026
Predictive AI પર પણ થયો વિશેષ વિચારવિમર્શ
વર્લ્ડ બેંકની બેઠકમાં Predictive AI સહિતની ટેકનોલોજીના વિકાસલક્ષી ઉપયોગ અંગે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ડેટા આધારિત ટેકનોલોજી દ્વારા આગોતરા આયોજન, જોખમની ઓળખ અને વિકાસલક્ષી પરિણામોમાં સુધારો શક્ય બની શકે છે.
ગુજરાત આ સંભાવનાઓને વાસ્તવિક પરિણામોમાં પરિવર્તિત કરવા માટે AIનો ઉપયોગ વિવિધ સરકારી વિભાગો અને જાહેર સેવાઓમાં વધારવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
વર્લ્ડ બેંકને કન્સેશનલ ફાઇનાન્સિંગ અંગે અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં ગુજરાતની નાણાકીય શિસ્તનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વર્લ્ડ બેંકના અધિકારીઓને રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કન્સેશનલ ફાઇનાન્સિંગની શક્યતાઓ ચકાસવા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે નાણાકીય શિસ્તને વિકાસ સાથે જોડીને આગળ વધવાની પરંપરા વિકસાવી છે. નાણાકીય શિસ્ત જાળવતા રાજ્યોને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે ફાઇનાન્સિંગમાં વિશેષ લાભ આપવા અંગે વર્લ્ડ બેંક વિચાર કરી શકે તેવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
GIFT Cityને માત્ર IFSC નહીં, ગ્લોબલ ઇકોસિસ્ટમ બનાવવાનો લક્ષ્ય
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગિફ્ટ સિટીને આગામી તબક્કામાં માત્ર ઇન્ટરનેશનલ ફિનાન્સીયલ સર્વિસીસ સેન્ટરે તરીકે જ નહીં, પરંતુ ફાઇનાન્સ, ટેકનોલોજી, ફિનટેક, AI, ડેટા અને ઇનોવેશનના સંકલિત વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે.
તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટી મારફતે વૈશ્વિક મૂડીને ભારતમાં આકર્ષવા માટે જરૂરી ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહી છે. વૈશ્વિક બેન્કો, ફંડ્સ, ઇન્સ્યોરન્સ કંપનીઓ અને ટેકનોલોજી કંપનીઓ માટે ગિફ્ટ સિટી મહત્વપૂર્ણ નાણાકીય હબ તરીકે ઊભરી રહી છે.
બેન્કિંગથી એરક્રાફ્ટ અને શિપ લીઝિંગ સુધીની સુવિધાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્લ્ડ બેંકના અધિકારીઓને માહિતી આપી હતી કે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, કેપિટલ માર્કેટ્સ, ફંડ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ સહિતની વિવિધ વૈશ્વિક નાણાકીય સેવાઓ માટે ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવી છે.
આ સાથે ગિફ્ટ સિટીને નવી પેઢીના ફિનટેક, ડેટા અને ઇનોવેશન આધારિત વ્યવસાયો માટે પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કેન્દ્ર બનાવવા પર રાજ્ય સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ગુજરાતને વૈશ્વિક ટેકનોલોજી અને મૂડીનું કેન્દ્ર બનાવવાનો રોડમેપ
મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનો આગામી વિકાસ મોડલ ટેકનોલોજી, ફાઇનાન્સ અને ઇનોવેશન પર કેન્દ્રિત રહેશે. AI, FinTech અને Global Capital જેવા ક્ષેત્રોમાં રાજ્ય ઝડપથી આગળ વધે તે માટે નીતિ આધારિત માળખું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
રાજ્ય સરકારનું લક્ષ્ય ગુજરાતને માત્ર ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ માટે નહીં, પરંતુ અદ્યતન ટેકનોલોજી, નાણાકીય સેવાઓ અને ડિજિટલ અર્થતંત્ર માટે પણ વૈશ્વિક ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવાનો છે.
ઉચ્ચસ્તરીય બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત
આ રાઉન્ડ ટેબલ બેઠકમાં ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગિફ્ટ સિટીના MD અને ગ્રુપ CEO સંજય કૌલ સહિતના રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વર્લ્ડ બેંકના સાઉથ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ જોહાન્સ ઝટ્ટ, IFCના એશિયા-પેસિફિક ક્ષેત્રના રિજનલ વાઇસ પ્રેસિડેન્ટ રિકાર્ડો પુલીતી, MIGAના વાઇસ પ્રેસિડેન્ટ જુનેદ કમાલ અહેમદ, IMFના એશિયા-પેસિફિક ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ક્રિષ્ના શ્રીનિવાસન અને વર્લ્ડ બેંક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના સિનિયર એડવાઇઝર હેમાંગ જાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાતના વિકાસ મોડલને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂઆત
વોશિંગ્ટનમાં યોજાયેલી આ બેઠક મારફતે ગુજરાત સરકારે પોતાના ભવિષ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભો સ્પષ્ટ કર્યા છે. AI આધારિત ગવર્નન્સ, ગિફ્ટ સિટી મારફતે ગ્લોબલ ફાઇનાન્સ, અદ્યતન ટેકનોલોજી, ફિનટેક અને નાણાકીય શિસ્તને રાજ્યના આગામી વિકાસમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ બેઠક ગુજરાત માટે વૈશ્વિક નાણાકીય અને ટેકનોલોજીકલ સંસ્થાઓ સાથે સહયોગ વધારવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel