આસ્થા, પ્રવાસન અને આધુનિક સુવિધાનો અનોખો સંગમ બનેલા ગુજરાતના ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વેને યાત્રાળુઓનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન રાજ્યના આ ત્રણ મુખ્ય યાત્રાધામો ખાતે કુલ 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વે સેવાનો લાભ લીધો છે. તેમાં બાળકો, વડીલો, મહિલાઓ અને દિવ્યાંગ યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.
રાજ્યના યાત્રાધામોને વધુ સરળ, સુરક્ષિત અને સુલભ બનાવવા રોપ-વે સેવા મહત્વપૂર્ણ બની છે. ખાસ કરીને પર્વતીય યાત્રાધામો સુધી પહોંચવામાં પડતી શારીરિક મુશ્કેલીમાં ઘટાડો થતાં વડીલો અને દિવ્યાંગ યાત્રાળુઓ માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
પાવાગઢમાં સૌથી વધુ 23.43 લાખ યાત્રાળુઓએ લીધો લાભ
વર્ષ 2025-26 દરમિયાન પંચમહાલ જિલ્લાના પાવાગઢ રોપ-વેનો સૌથી વધુ 23.43 લાખથી વધુ યાત્રાળુઓએ ઉપયોગ કર્યો હતો. જ્યારે બનાસકાંઠાના અંબાજી રોપ-વેનો 15.58 લાખથી વધુ અને જૂનાગઢના ગિરનાર રોપ-વેનો 8.31 લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો હતો.
આ આંકડા રાજ્યના ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સતત વધતી લોકપ્રિયતા દર્શાવે છે. સાથે જ યાત્રાળુઓની વધતી સંખ્યાને કારણે સ્થાનિક પરિવારો, નાના વેપારીઓ, પરિવહન સેવાઓ અને પ્રવાસન સાથે જોડાયેલા યુવાઓ માટે રોજગારીની તકો પણ વધી રહી છે.
2.12 કિલોમીટર લાંબો ગિરનાર રોપ-વે વિશેષ આકર્ષણ
જૂનાગઢમાં આવેલો ગિરનાર રોપ-વે એન્જિનિયરિંગ અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય છે. આશરે 2.12 કિલોમીટર લાંબો આ રોપ-વે વિશ્વના લાંબા રોપ-વેમાંનો એક ગણાય છે. આ રોપ-વે ગિરનાર તળેટીને આશરે 3,660 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર વિસ્તાર સાથે જોડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર 2020માં ગિરનાર રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારથી લાખો યાત્રાળુઓએ આ સેવાનો લાભ લીધો છે. ગિરનાર રોપ-વેમાં 31 આધુનિક કેબિન કાર્યરત છે અને પ્રતિ કલાક અંદાજે 1,000 મુસાફરોના પરિવહનની ક્ષમતા છે. લગભગ 9 મિનિટની રોપ-વે સફર દરમિયાન યાત્રાળુઓને ગિરનારના પર્વતો, હરિયાળી અને કુદરતી સૌંદર્યનો મનોહર નજારો માણવાનો મોકો મળે છે.
5,000 પગથિયાંના મુશ્કેલ ચઢાણથી રાહત
ગિરનાર પર્વત પર અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય મંદિર, ગોરખનાથ મંદિર તેમજ ઐતિહાસિક જૈન મંદિરો સહિત અનેક પવિત્ર સ્થળો આવેલા છે. ગિરનારના તળિયાથી અંબાજી મંદિર સુધી પહોંચવા માટે પરંપરાગત રીતે હજારો પગથિયાં ચઢવા પડતા હતા.
રોપ-વે શરૂ થયા બાદ ખાસ કરીને વૃદ્ધ, બાળકો અને શારીરિક રીતે અશક્ત યાત્રાળુઓ માટે અંબાજી મંદિર સુધી પહોંચવું વધુ સરળ બન્યું છે. આ સુવિધાના કારણે ગિરનાર હવે માત્ર ધાર્મિક યાત્રાધામ નહીં, પરંતુ સમગ્ર પરિવાર માટે પ્રવાસન સ્થળ તરીકે પણ વધુ લોકપ્રિય બન્યો છે.
ચોમાસા અને તહેવારો દરમિયાન વધે છે યાત્રાળુઓનો ધસારો
ચોમાસાની ઋતુમાં ગિરનારનું સૌંદર્ય વધુ ખીલી ઊઠે છે. પર્વતોની આસપાસ ફરતા વાદળો, હરિયાળી અને ઠંડકના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર તરફ આકર્ષાય છે.
નવરાત્રી, જન્માષ્ટમી અને શ્રાવણ માસ દરમિયાન પણ યાત્રાળુઓનો વિશેષ ધસારો જોવા મળે છે. જૂનાગઢથી સોમનાથ મંદિર અને ગીર અભયારણ્યની નજીકતા હોવાના કારણે ગિરનાર આવતા પ્રવાસીઓ માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસનું સંયોજન પણ ઉપલબ્ધ થાય છે.
ગિરનાર, પાવાગઢ અને અંબાજી ખાતે અનેક આધુનિક સુવિધાઓ
‘ઉડન ખટોલા’ બ્રાન્ડ હેઠળ સંચાલિત ગિરનાર, પાવાગઢ અને અંબાજી રોપ-વે ખાતે યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં વેઇટિંગ હોલ, ફૂડ કોર્ટ, ફેમિલી એન્ટરટેનમેન્ટ સેન્ટર, ફર્સ્ટ એઇડ સેવા, વ્હીલચેર, લોકર, પીવાનું પાણી, શૌચાલય અને માતૃ સંભાળ કક્ષ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
દિવ્યાંગ યાત્રાળુઓને રોપ-વે ટિકિટમાં વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન ‘શરદ મહોત્સવ’ અંતર્ગત STEM પર્યટન શૈક્ષણિક પ્રવાસને પ્રોત્સાહન આપવા વિશેષ યોજના પણ અમલમાં છે.
રોપ-વેના સમય
ગિરનાર રોપ-વે સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહે છે. પાવાગઢ રોપ-વે સવારે 6 વાગ્યાથી સાંજે 5:45 વાગ્યા સુધી અને અંબાજી રોપ-વે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યાત્રાળુઓ માટે ખુલ્લો રહે છે.
હવામાન, ટેક્નિકલ મેન્ટેનન્સ અથવા અન્ય પરિસ્થિતિઓને કારણે સમયમાં ફેરફાર થઈ શકે છે, તેથી પ્રવાસ પહેલાં સત્તાવાર માધ્યમ પરથી સમય અને ટિકિટ ઉપલબ્ધતા ચકાસવી યોગ્ય રહેશે.
યાત્રાધામ પ્રવાસનને મળી રહી છે નવી ગતિ
ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સાથે આધુનિક સુવિધાઓ જોડાતાં યાત્રાળુઓના અનુભવમાં મોટો બદલાવ આવ્યો છે. રોપ-વે જેવી સુવિધાઓ માત્ર યાત્રા સરળ બનાવતી નથી, પરંતુ સ્થાનિક અર્થતંત્ર, રોજગારી અને પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન આપે છે.
વર્ષ 2025-26માં ત્રણ મુખ્ય યાત્રાધામોમાં 47.32 લાખથી વધુ યાત્રાળુઓએ રોપ-વેનો ઉપયોગ કર્યો હોવો રાજ્યમાં ધાર્મિક અને હેરિટેજ પ્રવાસનની વધતી માંગનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel