ખાલીસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ભારત ઉપર વગર વિચારે આક્ષેપો કર્યા પછી એક તરફ ભારતે કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો લગભગ તોડી નાખ્યા પછી, અને ભારતે તેના ૪૧ રાજદ્વારીઓને ‘અનિચ્છનીય’ વ્યક્તિઓ કહી ભારત બહાર જવાનું કહ્યા પછી કેનેડા હવે રહી રહીને મુંઝાઈ રહ્યું છે. તેવામાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે, અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશોએ પણ સંભવત: કેનેડા ઉપર ભારત સાથે સંબંધો સુધારવા દબાણ કરતાં હવે તે ભારત સાથેના સંબંધો સુધારવા આતુર બન્યું છે.
આથી કેનેડાનાં વિદેશમંત્રી મેલાની જોલીએ કહ્યું કે તેઓ ભારતના તેમના સમકક્ષ (વિદેશમંત્રી એસ. જયશંકર) સાથે સંપર્કમાં છે. કારણ કે બંને દેશો વચ્ચેના સંબંધો તો દશકો જૂના છે, ઘણા મજબૂત પણ છે.
જોલીએ આ ટિપ્પણી તેવે સમયે કરી છે કે ભારતે આશરે એક સપ્તાહ પહેલાં કેનેડા માટેની કેટલીક વિઝા સેવાઓ ફરી ચાલુ કરી છે, જે બે મહીના પૂર્વે ખાલીસ્તાની ઉગ્રપંથી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લીધે ઉત્પન્ન થયેલા વિવાદને લીધે વિલંબિત કરાઈ હતી.
જોલીએ કહ્યું : ‘કેનેડામાં થયેલી નિજ્જરની હત્યા અંગે કેનેડા પોતે લીધેલા નિર્ણયને પુષ્ટિ આપે છે, તેને સતત વળગી પણ રહે છે. (કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીની શંકા નથી) આ મુદ્દે અમે ભારત સાથે ચર્ચા કરી જ રહ્યાં છીએ.’
ટોરેન્ટોમાં ‘ઈકોનોમિક કલબ ઓફ કેનેડા’ને સંબોધતાં તેઓએ કહ્યું, ‘અમે વિશ્વસનીય આક્ષેપોને જ સ્વીકારીએ છીએ. તેથી અમે ભારત સાથે સંપર્કમાં છીએ. હું વિદેશમંત્રી એસ. જયશંકર સાથે સતત સંપર્કમાં છું, અને રહીશ પણ ખરી.’
ઉલ્લેખનીય છે કે પહેલાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ખાલીસ્તાનવાદી આતંકી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ભારત ઉપર આધારહીન આક્ષેપો કર્યા હતા. પરંતુ ભારતે તે નકારી કાઢ્યા. જોકે તે પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો.