દિલ્હીની કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ૧૭ ફેબ્રુઆરીએ હાજર થવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) દ્વારા કોર્ટમાં ફાઇલ કરાયેલી ફરિયાદને આધારે મની લોન્ડરિંગ કેસમાં સમન્સની અવગણના બદલ દિલ્હીના મુખ્યમંત્રીને હાજર રહેવા જણાવ્યું છે.
એડિશનલ ચીફ મેટ્રો. મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “ફરિયાદને ધ્યાનમાં લીધા પછી ૧૭ ફેબ્રુઆરીએ હાજર રહેવા તેમને સમન્સ ઇશ્યૂ કરવામાં આવ્યું છે.” તેમણે કહ્યું હતું કે, “પહેલી નજરે AAPના વડા ઇડીના સમન્સનું પાલન કરવા કાનૂની રીતે બંધાયેલા છે. ઇડીએ તેમને આઇપીસીની કલમ ૧૭૪ (સરકારી કર્મચારીના આદેશની અવગણના સાથે ગેરહાજરી) હેઠળ સમન્સ પાઠવ્યું હતું, પણ કેજરીવાલ તપાસ સમિતિ સમક્ષ હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા છે.” બુધવારે ઇડીના પાંચમા સમન્સ છતાં કેજરીવાલે તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું ટાળ્યું હતું.
ઇડીએ કોર્ટને કરેલી ફરિયાદમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર ઇરાદાપૂર્વક સમન્સનું પાલન નહીં કરવાનો અને સતત ખોટા બહાના રજૂ કરવાનો આરોપ મૂક્યો હતો.