સાયબર ક્રાઈમ બને ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવી.
આણંદ જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવા જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સૂચન અન્વયે જિલ્લા પોલીસ ટીમ દ્વારા નાગરીકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવી જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના બનાવો અટકાવવાના હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન ગુરુવારે કરવામાં આવ્યું હતુ.
જે અન્વયે આણંદ મુખ્ય પોલીસ મથક નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ચૌધરીના માર્ગદર્શન તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,આણંદના પોલીસ ઈન્સ્પેક્ટર સી.પી.ચૌધરીની સૂચના હેઠળ કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીની પ્રમુખસ્વામી મેડીકલ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જે.જે.ચૌધરી અને વિશ્વા શાહ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.ડી.પુરોહિત, એએસઆઈ મુસ્તકીમ મલેક, સાયબર પ્રમોટર વીરેન જોષી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ (જાગૃતતા) બાબતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમનો અર્થ અને પ્રકારો, સોશીયલ મીડીયા એકાઉન્ટ ઓપરેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થતી સાયબર સીક્યુરીટી અને સાયબર સેફટીની બાબતે, સાયબર ક્રાઈમ સામે રાખવાની થતી સાવધાની, સાયબર ક્રાઈમની ફરીયાદ કરવાની પ્રક્રિયાનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ થાય ત્યારે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ડાયલ કરી તાત્કાલીક ફરીયાદ કરવા અંગે વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતુ.
આ સાયબર અવેરનેસ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટી – પ્રમુખસ્વામી મેડીકલ કોલેજ કોલેજનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.