ગુજરાતમાંથી વિદેશમાં નોકરીની લાલચ આપી યુવાઓને બંધક બનાવીને સાયબર ગુના કરાવવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું છે. આ રેકેટમાં ચીનની ગેંગનો પણ સીધો સંડોવણી હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના યુવાનોને થાઈલેન્ડ, બેંગકોક અને મ્યાનમારની કંપનીઓમાં “ડેટા એન્ટ્રી ઓપરેટર” તરીકે નોકરી અને દર મહિને 1થી 2 હજાર ડોલર પગારની લાલચ આપીને ફસાવવામાં આવતાં હતા. પરંતુ વાસ્તવમાં આ નોકરીઓ સાયબર ફ્રોડ કોલ સેન્ટરોમાં ફરજીયાત કામ કરાવવા માટેનો એક ફંદો હતો.
આ રેકેટનું નેટવર્ક ચલાવતો મુખ્ય સૂત્રધાર પોરબંદરનો હિતેશ અરજણ સોમૈયા હોવાનું ખુલ્યું છે. પોલીસે હિતેશને ધરપકડ કરી છે. તેની ધરપકડ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કરવામાં આવી, જે છેલ્લા કેટલાક સમયથી તેની વોચ રાખી રહી હતી. આ કાર્યવાહી તે સમયે શક્ય બની જ્યારે આ રેકેટના સકંજામાંથી બચીને આવેલા 15 યુવાનોએ પોલીસને સંપૂર્ણ માહિતી આપી.
પોલીસ તપાસ મુજબ, છેલ્લા એક વર્ષમાં હિતેશ મારફતે ગુજરાતના આશરે 40 યુવાનને થાઈલેન્ડ અને બેંગકોક લઈ જવાયા હતા. એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેમના પાસપોર્ટ કબજે કરવામાં આવતા અને તેમને 50 કિલોમીટર સુધી ગાડીમાં લઈ જઈને જંગલના રસ્તેથી મોઈ નદી પાર કરીને મ્યાનમાર બોર્ડરનાં કે.કે. પાર્ક, મ્યાવાડી ટાઉનશિપમાં લઈ જવાતા હતા. અહીં પહેલેથી તૈયાર કરાયેલા વિશાળ કોમ્પ્લેક્સમાં તેમને રાખવામાં આવતા, જ્યાં એક સમયે 200થી 250 યુવક-યુવતીઓ રહી શકે તેવી સુવિધા હતી.
અહીં તેમને ફરજીયાત સાયબર ફ્રોડ કોલ સેન્ટરોમાં કામ કરાવાતું હતું. આ કોલ સેન્ટરોમાં ફિશિંગ, ક્રિપ્ટો કરન્સી સ્કેમ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પોન્ઝી સ્કીમ અને ડેટિંગ એપ મારફતે છેતરપિંડી જેવા ગુના કરાવવામાં આવતા હતા. તેમને વિદેશી નાગરિકોને ફસાવીને ડિજિટલ પેમેન્ટ અને રોકાણના બહાને પૈસા પડાવવા માટે મજબૂર કરવામાં આવતા.
પોલીસે જણાવ્યું કે, છેલ્લા છ મહિનામાં ગુજરાતના 15 અને અન્ય રાજ્યોના ચાર એમ કુલ 19 યુવાન આ ગેંગના સકંજામાંથી છૂટીને ભારત પાછા આવ્યા છે. તેઓએ જણાવ્યું કે હિતેશ સોમૈયા ચીની ગેંગ માટે નેટવર્ક ચલાવતો હતો અને દરેક યુવકને વિદેશ મોકલવા બદલ તેને પ્રતિ વ્યક્તિ ₹2 થી ₹2.5 લાખ કમિશન મળતું હતું.
હાલ પોલીસ આ સમગ્ર કૌભાંડની વિગતવાર તપાસ કરી રહી છે. કેન્દ્ર સરકારને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે જેથી મ્યાનમારમાં ફસાયેલા બાકી રહેલા 25 યુવકોને સુરક્ષિત રીતે પાછા લાવવામાં મદદ મળી શકે. આ કેસે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના યુવાનો માટે ચેતવણીરૂપ સંદેશ આપ્યો છે — વિદેશમાં ઊંચા પગારની લાલચ આપતી નોકરીઓ હંમેશા વાસ્તવિક નથી, અને ક્યારેક જીવન માટે જોખમી ફંદો સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel