લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ અને સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે પહેલીવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે. પોતાની કાશી ગણાવનારા PM મોદી બનારસમાં રાત રોકાશે. વારાણસી પહોંચ્યા બાદ PM મોદી મહેદીગંજમાં કિસાન સન્માન સંમેલનને સંબોધિત કરશે.
આ પછી તેઓ કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે અને દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં પણ ભાગ લેશે. આ દરમિયાન યુપીના CM યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
ખેડૂતોની જાહેર સભાને સંબોધશે PM Modi
પીએમ મોદીના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ મંગળવારે બપોરે લગભગ 3.30 વાગે લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે સીધા મહેદીગંજ જાહેર સભા સ્થળ જશે અને ખેડૂતોની જાહેર સભાને સંબોધશે.
બાબા વિશ્વનાથના દરબારમાં માથું નમાવશે
નામાંકન પહેલા પીએમ મોદી બાબા વિશ્વનાથ અને માતા ગંગાના દર્શન કરવા ગયા હતા. ત્રીજી વખત પીએમ બન્યા બાદ તેઓ મંગળવારે ફરી એકવાર બાબા વિશ્વનાથના દરબારમાં માથું નમાવશે અને દશાશ્વમેધ પર માતા ગંગાના દર્શન પણ કરશે અને આરતીમાં પણ ભાગ લેશે. વડાપ્રધાન વારાણસીમાં માત્ર રાત રોકાશે. બીજા દિવસે એટલે કે બુધવારે પીએમ મોદી બિહારના નાલંદા જવા રવાના થશે.
ઢોલ-નગારા સાથે સ્વાગતની તૈયારી
પીએમ મોદીના સ્વાગત માટે ભાજપના કાર્યકરો સાથે કાશીના લોકો પણ એકઠા થયા છે. ભાજપના કાર્યકરો લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ મેહદીગંજ ગ્રામસભા સ્થળ પર ભવ્ય સ્વાગત કરશે.
પોલીસ લાઇનથી દશાશ્વમેધ ઘાટ તેમજ વિશ્વનાથ મંદિરનો દરવાજા નંબર ચાર સુધીના સમગ્ર યાત્રા રૂટ પર કાશીની જનતાની સાથે-સાથે ભાજપના કાર્યકરો શંખનાદ અને ગુલાબની પાંખડીઓ, ઢોલ અને ડમરુ વડે પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરશે.