તાજેતરમાં કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ડોક્ટરો આગળ આવી આ ઘટના મામલે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડા જિલ્લામાં પણ ડોક્ટર એસોસિયેશનના 350થી વધુ ડોકટરો સાઈલેન્ટલી વિરોધ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. જ્યારે નડિયાદની DDU ફેકલ્ટી ઓફ ડેન્ટલ કોલેજ દ્વારા આ મામલે રેલી કાઢી ન્યાય માટે માંગ કરી છે. આ રેલીમાં 100થી વધુ ઈન્ટસ ડોક્ટર અને પીજી ડોક્ટરો જોડાયા છે.
ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલીત ડેન્ટલ ફેકલ્ટી દ્વારા આજે શનીવારે કોલેજ કેમ્પસથી વાણિયાવાડ સર્કલ સુધી વિવિધ પ્લેકાર્ડ સાથે રેલી કાઢી હતી. જેમાં ઈન્ટસ ડોક્ટર અને પીજી ડોક્ટરો મળી 100થી વધુનો કાફલો જોડાયો હતો. આ રેલી વાણીયાવાડથી પરત કોલેજે ફરી હતી. ‘વિ વોન્ટ જસ્ટીસ’ ની માંગ સાથે રોડ પર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 24 કલાક સુધી OPD પણ બંધ રાખવામાં આવી હતી. આમ ‘No OPD No પેશન્ટ’ થકી આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
સ્ટુડન્ટ, ફેકલ્ટી અને પીજીના એકઠા થયા
ડેન્ટલ ફેકલ્ટીના ઓપીડી વિભાગના પ્રોફેસર ડો.મોના શાહે જણાવ્યું કે, 9 ઓગસ્ટના રોજ કોલકાતામાં બનેલી ખરાબ ઘટનાથી અમે આ ઘટનાના વિરોધમાં આજે અહીંયા દેખાવો કર્યા છે. સરકાર કેમ કોઈ પગલા લેતી નથી. આ પ્રકારના કૃત્યને ડામવા સરકાર અસરકારક પગલા લે તેવી માંગ સાથે અમે આજે આ દેખાવો કર્યા છે.ઈન્ટરશીપ કરતા ધ્રુવી પટેલે કહ્યું કે, સ્ટુડન્ટ, ફેકલ્ટી અને પીજી અમે બધા ભેગા થયા છે કોલકાતામાં જે દુષ્કર્મની ઘટના બની છે તેને ન્યાય માટે અમે માગણી કરીએ છીએ. આ ખુબજ ગંભીર ઘટના છે આજે અમારી કોલેજમાં ‘No OPD No પેશન્ટ’ સાથે જોડાયા છે.
350થી વધુ ડોકટરો સાઈલેન્ટલી વિરોધ નોંધાવ્યો
જ્યારે નડિયાદ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડો.કુશલ પરીખે જણાવ્યું કે, આજે અમે ખુબજ સાઈલેન્ટલી વિરોધ નોંધાવ્યો છે. આ ઘટના ખુબજ ગંભીર કહેવાય માટે આજે અમે સવારે 6થી બીજા દિવસે સવારે 6 એમ 24 કલાક OPD બંધ રાખી છે. હા પણ ઈમરજન્સી વિભાગ ચાલુ છે જેથી દર્દીને કોઈ તકલીફોનો સામનો કરવો પડે નહીં અંદાજીત 350થી વધુ ડોકટરો અમારી સાથે આ વિરોધમાં જોડાયા છે.