જીએસટી કાઉન્સિલની 54મી બેઠક શરૂ થઈ ચૂકી છે. જેમાં મુખ્ય ફોકસ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર વસૂલવામાં આવતા જીએસટી પર છે. આ બેઠકમાં આ મુદ્દે નિર્ણય આગામી બેઠક પર ટાળવામાં આવ્યો છે, કારણકે લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર લાગુ જીએસટી દૂર કરવા માટે વ્યાપક સર્વસંમતિની જરૂર પડશે. આ સિવાય ઓઈલ અને ગેસ એક્સપ્લોરેશન પર સબકોન્ટ્રાક્ટિંગ પર 18 ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય પણ મોકૂફ રાખ્યો છે. રિસર્ચ અને ગ્રાન્ટ્સ પર જીએસટી માફ કરવામાં આવી છે.
બીજુ મહત્ત્વનું ફોકસ રૂ. 2 હજારના ડિજિટલ ટ્રાન્જેક્શન પર છે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફત રૂ. 2000 સુધીના ઓનલાઈન ટ્રાન્જેક્શન માટે બિલડેસ્ક અને સીસીએવેન્યૂ જેવા પેમેન્ટ એગ્રીગેટર્સ પર 18 ટકા જીએસટી લાગુ કરવાની યોજના ધરાવે છે, પરંતુ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, આ મુદ્દો ફિટમેન્ટ કમિટી પાસે મોકલવામાં આવ્યો હોવાનું ઉત્તારખંડના નાણા મંત્રી પ્રેમચંદ અગ્રવાલે જણાવ્યું છે.
વધુમાં, જીએસટી કાઉન્સિલે હેલિકોપ્ટર મારફત યાત્રા પર જીએસટી ઘટાડવાની માગ સ્વીકારી લીધી હોવાનું જણાવ્યું છે. યાત્રા કરતાં યાત્રાળુઓ માટે જીએસટી રેટ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાશે. રાજ્યના નાણા મંત્રીઓ અને કર અધિકારીઓ નાણા મંત્રી સાથે મળી આ બેઠકમાં વીમા પ્રીમિયમના કરવેરા, ટેક્સને તર્કસંગત બનાવવા અને ઓનલાઈન ગેમિંગથી થતી આવક પર ટેક્સ, ઓનલાઈન ટ્રાન્જેક્શન પર ટેક્સ સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓને સંબોધી રહ્યા છે.
ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીને કોઈ રાહત નહીં
ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીને પણ કોઈ રાહત મળી નથી. જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, કસિનો અને રેસ કોર્સ પર 28 ટકા જીએસટી યથાવત રાખવામાં આવ્યો છે. ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી લાંબા સમયથી જીએસટીમાં ઘટાડો કરવાની માગ કરી રહી છે, પરંતુ આજના નિર્ણયથી તે નિરાશ થયા છે. સરકાર ઉપરોક્ત સેગમેન્ટમાં ડિપોઝિટ પર 28 ટકા અને કમાણી પર 18 ટકા જીએસટી વસૂલે છે.