મંગળવારની શરૂઆતથી દિલ્હી-એનસીઆરમાં સ્મોગવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન એવું હતું કે લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા હતા. તેને જોતાં જ વહીવટીતંત્ર એલર્ટ થઇ ગયું હતું. કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ (CAQM) એ ગુરુવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ના સ્ટેજ III ને લાગુ કરવા સૂચના આપી હતી. દિલ્હીમાં AQI 402 પર પહોંચી જતાં ગેસ ચેમ્બર જેવો અહેસાસ થઈ રહ્યો છે. બિનજરૂરી નિર્માણકાર્યો પર બેન મૂકી દેવામાં આવ્યો છે.
સ્કૂલો બંધ રાખવા નિર્દેશ
આ સિવાય CAQM એ દિલ્હી સરકાર અને NCRના અન્ય શહેરોના વહીવટીતંત્રને આગામી થોડા દિવસો માટે બાળકોની શાળાઓ બંધ રાખવા અને માત્ર ઓનલાઈન વર્ગો ચલાવવાની સલાહ આપી છે. મામલાની ગંભીરતાને જોતા દિલ્હી સરકારે આદેશ જારી કર્યો કે રાજ્યમાં પાંચમા ધોરણના બાળકોના વર્ગો આગામી બે દિવસ સુધી બંધ રખાશે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. કેજરીવાલ સરકારે વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે.
દિલ્હી મેટ્રો વધારાની ટ્રેનો દોડાવશે
આ ઉપરાંત દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે GRAP-III ના અમલીકરણ પછી દિલ્હી મેટ્રો (DMRC) તેના નેટવર્કમાં 3 આજથી 20 વધારાની ટ્રિપ્સ ઉમેરવા જઈ રહી છે. GRAP-II ફેઝ 25 ઓક્ટોબરથી લાગુ થયા બાદ દિલ્હી મેટ્રો સોમવારથી શુક્રવાર સુધી 40 વધારાની ટ્રેનો દોડાવી રહી છે. એ જ રીતે શુક્રવારથી, DMRC દિલ્હી-NCRમાં વધુ લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે 60 વધારાની ટ્રિપ્સ (40+20) ચલાવાશે.
ગુરુગ્રામ જિલ્લામાં કલમ 144 લાગુ
પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા ગુરુગ્રામના ડીએમએ પણ કચરો બાળવા પર કલમ 144 લાગુ કરી છે. જિલ્લામાં AQI માં ઘટાડો અને શહેરમાં ઉચ્ચ સ્તરના પ્રદૂષણની અસરને ધ્યાનમાં રાખીને, ડીએમ નિશાંત કુમાર યાદવે કલમ 144 લાગુ કરવાના આદેશો જારી કર્યો હતો. જેમાં ઔદ્યોગિક, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લામાં પડેલા કચરાને બાળવા પર પ્રતિબંધ મૂક્યો હતો.