લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ-૨૦૨૩ પસાર થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો અને દિલ્હીના ઈતિહાસની ચર્ચા કરીને કહ્યું હતું કે દિલ્હીને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવાની માગણી અગાઉ પણ ઉઠી હતી, પરંતુ તે વખતે દિલ્હીને સ્વતંત્ર રાજ્યનો વિરોધ પંડિત નેહરુ, સરદાર પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને રાજાજીએ કર્યો હતો. દરમિયાન લોકસભામાં ગેરવર્તન કરતા હોવાનું કહીને આપના એકમાત્ર સાંસદ સુશિલ કુમાર રિન્કુને આખા સત્ર માટે સસ્પેન્ડ કરાયા હતા.
અમિત શાહે દિલ્હી સર્વિસ બિલના સંદર્ભમાં સરકારનો પક્ષ રાખ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે પટ્ટાભિસીતારમૈયા કમિટિએ દિલ્હીને સ્વતંક્ષ રાજ્યનો દરજ્જો આપવાની ભલામણ કરી હતી તેના સંદર્ભમાં સંસદમાં ચર્ચા થઈ હતી અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, ડૉ. ભીમરાવ આંબેડકર અને રાજગોપાલચારીએ એનો વિરોધ કર્યો હતો. પંડિત નેહરુએ કહ્યું હતું કે બે વર્ષ પહેલાં અલગ વાત હતી, હવે દિલ્હીને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપી શકાય નહીં. હવે દુનિયા અને ભારત બદલાઈ ગયું છે. હવે સમિતિની ભલામણનો અમલ થઈ શકે તેમ નથી.
ગૃહમંત્રીએ આમ આદમી પાર્ટીને નિશાન બનાવીને કહ્યું હતું કે આપ દિલ્હીમાં બંગલાનો ભ્રષ્ટાચાર દબાવી દેવા માટે ધાંધલ-ધમાલ કરે છે. દિલ્હીમાં આપની સરકાર પહેલાં કોંગ્રેસ અને ભાજપની સરકારો રહી ચૂકી છે અને એ વખતે કોંગ્રેસ-ભાજપને સત્તાના મુદ્દે ક્યારેય ખેંચતાણ થઈ નથી. કોંગ્રેસ રાજ્યમાં સત્તા પર હોય અને ભાજપ કેન્દ્રમાં કે ભાજપ રાજ્યમાં સત્તા હોય અને કોંગ્રેસ કેન્દ્રમાં, તે વખતે અત્યારની સ્થિતિ સર્જાઈ નથી. ગૃહમંત્રીએ એ રીતે કોંગ્રેસની પ્રશંસા કરી હતી અને આપની ઝાટકણી કાઢી હતી.
દરમિયાન બે દિવસથી વિપક્ષી સાંસદોની ધાંધલ-ધમાલના કારણે નારાજ થયેલા સ્પીકર ઓમ બિરલા સ્પીકરની ખુરશી પર બેસતા ન હતા. તેમને બધા સાંસદોએ મનાવી લીધા હતા. કોંગ્રેસના લોકસભાના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું હતું કે બધા જ સાંસદો સ્પીકર સાહેબના પ્રશંસક છે. બધા ઈચ્છે છે કે તેઓ સંસદની કાર્યવાહીમાં સક્રિય થાય. વિપક્ષના સાંસદો ઉપરાંત નીતીન ગડકરી સહિતના નેતાઓએ સ્પીકરની કેબિનમાં મુલાકાત કરીને તેમને મનાવ્યા હતા.
રાજ્યસભાની કામગીરી આગળ ચાલે તે માટે કેન્દ્રએ વિપક્ષ સાથે વાટાઘાટો શરૂ કરી છે. પ્રહલાદ જોશી અને પિયૂષ ગોયલે કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ સાથે વાતચીત કરી હતી. ખાસ તો મલ્લિકાર્જુન ખડગેને મળીને મણિપુર સહિતના મુદ્દે ચર્ચા કરવા તેમ જ કાર્યવાહી આગળ વધારવાની વિનંતી કરી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે વિપક્ષોએ આ નેતાઓ સમક્ષ વડાપ્રધાનના નિવેદનની માગણી કરી હતી, પરંતુ આ નેતાઓએ પીએમના બદલે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની ખાતરી આપી હતી.