ભારત સામે ઝેરી સાપની જેમ સતત ઝેર ઓકતા રહેતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંતસિંહ પન્નુએ આતંકી સંગઠન હમાસનુ સમર્થન કર્યુ છે. જેના પગલે કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયે ફરી તેના ઝેરીલા નિવેદનો પર ચિંતા વ્યક્ત કરીને કેનેડા સરકાર સમક્ષ પન્નુ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જોકે ખાલિસ્તાનીઓને પંપાળી રહેલા વડાપ્રધાન ટ્રુડોની સરકાર પન્નુ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા નહીંવત છે.
પન્નુનો એક વિડિયો હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના જંગ બાદ સામે આવ્યો છે. જેમાં તે કહેતો સંભળાય છે કે, 21 ઓક્ટોબરથી સિખ ફોર જસ્ટિસ સંગઠન જી-7 દેશોના વેનકુવર, વોશિંગ્ટન, લંડન, ફ્રેન્કફર્ટ, મિલાનમાં ભારતના દૂતાવાસોને બંધ કરાવી દેશે.
સાથે સાથે તેણે હમાસનુ સમર્થન કરીને ભારત પર પણ આ જ પ્રકારના હુમલા કરવાની ધમકી આપી હતી. એ પછી કેનેડાના સંગઠન હિન્દુ ફોરમે કેનેડાની સરકારને પત્ર લખીને પન્નુ સામે કાર્યવાહી કરવાની માંગ કરીને કહ્યુ છે કે, આવા નિવેદનો ચલાવી લેવાય તેમ નથી. અમે સરકારને અપીલ કરીએ છે કે, આ મામલામાં તરત કાર્યવાહી કરે. જે પ્રકારના ધૃણાસ્પદ નિવેદનો આપીને લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે તે જોતા હિન્દુ સમુદાયની સુરક્ષાની ચિંતા થવી સ્વભાવિક છે.
સાથે સાથે હિન્દુ ફોરમે કહ્યુ છે કે, પન્નુ તો કેનેડાનો નાગરિક પણ નથી. તેની કેનેડામાં એન્ટ્રી પર બેન મુકાવો જોઈએ અને જો તે કેનેડાનો નાગરિક હોય તો સરકારે તેની સામે તપાસ શરુ કરવી જોઈએ.