ભલે ભારત અને કેનેડાના સંબંધોમાં હાલ થોડી ખટાશ આવી ગઈ હોય, પરંતુ ભારતીયોને સૌથી વધુ પસંદ તો કેનેડા જ છે. વર્ષ 2013થી કેનેડા જનારા ભારતીયોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2013થી 2023 સુધીમાં કેનેડામાં ભારતીય લોકોની સંખ્યા 32,828 થી વધીને 139,715 થઈ ગઈ છે, જે 10 વર્ષના સમયગાળામાં 326 ટકાનો વધારો દર્શાવે છે.
અમેરિકન યુનિવર્સીટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશનમાં વર્ષ 2016 થી 2019 વચ્ચે 5.6 ટકાનો ઘટાડો થયો, જયારે કેનેડાની યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન 51.6 ટકા વધ્યું. આનું મુખ્ય કારણ અમેરિકામાં H-1B વિઝા છે, કારણ કે આને મેળવવામાં મુશ્કેલી થાય છે, જયારે કેનેડામાં અસ્થાયી સ્ટેટસ સરળતાથી મળી જાય છે. ગયા વર્ષે જુલાઈમાં કેનેડાએ એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. H-1B વિઝા ધારકોનો આંકડો 48 કલાકમાં જ 10,000 ની લિમિટ સુધી પહોંચી ગયો હતો. કેનેડાની યુનિવર્સીટી માત્ર ભારતીયો વિદ્યાર્થીઓ સુધી જ સીમિત નથી, પણ વર્ષ 2000થી 2021 વચ્ચે કેનેડાની સ્કૂલોમાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 544 ટકાનો વધારો થયો છે, જે 62,223થી વધીને 400,521 થઈ ગઈ છે.
H-1B વિઝા ધારકોને આપી મોટી છૂટ
હાલમાં જ કેનેડાએ યુએસ H-1B વિઝા ધારકોને વર્ક પરમિટ આપવાના નિયમોમાં પણ છૂટની જાહેરાત કરી હતી. ઓપન વર્ક પરમિટ કોઈ વિદેશી નાગરિકને એક નિશ્ચિત સમયગાળા માટે બીજા દેશમાં કામ કરવાની પરવાનગી આપે છે. ભારતીય લોકોમાં પણ H-1B વિઝા ધારકોનો એક મોટો ભાગ છે. H-1B વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં એન્ટ્રીનો એક મોટો રસ્તો છે, જે તેમને અભ્યાસની સાથે કંપની માટે કામ કરવાની પરવાનગી આપે છે,હવે કેનેડામાં છૂટ મળવાથી આનો ફાયદો પણ ઉઠાવી શકાશે. આવનારા સમયમાં આનો પણ કેનેડાને ઘણો ફાયદો થશે.