અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નિર્માણ સમિતિના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, ડિસેમ્બરમાં રામ મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન માટે ભક્તોને પ્રવેશ મળી જશે. જણાવી દઈએ કે નૃપેન્દ્ર મિશ્રા વડાપ્રધાન મોદીના મુખ્ય સેક્રેટરી રહી ચૂક્યા છે.
અયોધ્યાના રામ મંદિરના નિર્માણની સાથે સાથે અયોધ્યાની પણ કાયાપલટ થઈ રહી છે. અયોધ્યામાં વિકાસ કાર્યોની ગતિ પણ વધી રહી છે. વર્ષ 2024 બાદ અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા જોવા મળશે. રામ મંદિરના નિર્માણ કાર્યના વીડિયો અને ફોટો જોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी तिन तैसी। pic.twitter.com/HqBtqhsR54
— Champat Rai (@ChampatRaiVHP) May 23, 2023
રામ મંદિરનું કામ ત્રણ તબક્કામાં પૂરુ થશે. પ્રથમ તબક્કામાં ડિસેમ્બર સુધીમાં ગર્ભ ગૃહનું કામ પૂર્ણ કરીને રામલલાની મૂર્તિના પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. પહેલા તબક્કામાં પાંચ મંડપની કામગીરી પણ પૂરી કરાશે. પાંચ મંડપના બાંધકામ માટે 160 સ્તંભ લગાવાશે.પહેલા અને બીજા માળની કામગીરી 20 ડિસેમ્બર,2024 સુધીમાં પૂરી થશે. ડિસેમ્બર 2025 સુધીમાં મંદિરના બાંધકામની તમામ કામગીરી પૂરી કરાશે.
હાલમાં જસ્ટિસ સુધીર અગ્રવાલે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે શ્રી રામલલાના દરબારમાં શીશ નમાવીને પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે રામ મંદિરના નિર્માણ કાર્યની સમીક્ષા પણ કરી હતી. જણાવી દઈએ કે અયોધ્યાની જમીન વિવાદમાં વર્ષ 2010માં હાઈકોર્ટના ત્રણ સદસ્યોની પીઠ દ્વારા એક નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. જસ્ટિસ સુધીર અગ્રવાલે આ પીઠમાં સામેલ હતા.
થોડા સમય પહેલા રામ મંદિરના ગર્ભગૃહની તસવીરો સામે આવી હતી. હાલમાં અયોધ્યામાં નિર્માણ આધીન રામ મંદિરના ગર્ભગૃહની દીવાલનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ દીવાલ જોઈ કહી શકાય કે રામ મંદિર અદ્દભુત, અલૌકિક અને ભવ્ય રુપ લઈ રહ્યું છે.