અમદાવાદના પાલડી વિસ્તારમાં બ્લેકમેલિંગ અને ડિજિટલ ધમકીનો એક ગંભીર કેસ સામે આવ્યો છે, જેમાં પોલીસે અબ્દુલ વહાબ સૈયદ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પર આરોપ છે કે તેણે ક્લિનિક ચલાવતા એક ડૉક્ટરના અંગત વિડીયો ચોરી કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાએ ડેટા સુરક્ષા અને સીસીટીવી સિસ્ટમના દુરૂપયોગ અંગે ચિંતા વધારી છે.
પોલીસ સૂત્રો મુજબ, ઘટના 11 જાન્યુઆરીની રાત્રે શરૂ થઈ હતી, જ્યારે ડૉક્ટરને તેમના વોટ્સએપ પર એક વિડીયો મોકલવામાં આવ્યો હતો. આ વિડીયોમાં ડૉક્ટર પોતાના ક્લિનિકમાં એક યુવતી પાસેથી બોડી મસાજ લેતા દેખાતા હતા. આરોપીએ ડૉક્ટરને મેસેજ કરીને જણાવ્યું હતું કે તેની પાસે આવા ઘણા વિડીયો છે અને જો તે ડિલીટ કરાવવા હોય તો 35 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આરોપીએ પૈસા ટ્રાન્સફર કરવા માટે ક્યૂઆર કોડ પણ મોકલ્યો હતો અને પૈસા ન આપવાથી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.
ધમકીથી ગભરાઈ ગયેલા ડૉક્ટરે શરૂઆતમાં 5 હજાર રૂપિયા મોકલી દીધા હતા, પરંતુ ત્યારબાદ આરોપીએ વધુ 40 હજાર રૂપિયાની માંગણી કરી. આ દરમિયાન ડૉક્ટરે પોતાના મિત્રોને સમગ્ર ઘટના વિશે જણાવ્યું અને અંતે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કર્યા બાદ આરોપીની ઓળખ અબ્દુલ વહાબ સૈયદ તરીકે થઈ અને તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ સીસીટીવી ઈન્સ્ટોલેશનનું કામ કરતો હતો અને ડૉક્ટરના ક્લિનિકમાં પણ તેણે જ સીસીટીવી સિસ્ટમ લગાવી હતી. જેના કારણે તેની પાસે સીસીટીવી સિસ્ટમના પાસવર્ડ અને ઍક્સેસ હોવાની શક્યતા છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આરોપીએ વિડીયો કેવી રીતે મેળવ્યા અને અન્ય કોઈ વ્યક્તિ આ કેસમાં સામેલ છે કે નહીં. આ ઘટના ડિજિટલ પ્રાઈવસી અને સુરક્ષા અંગે ફરી ચર્ચા ઉભી કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel