ભરૂચના સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને દેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ બેઠકમાં ઉપસ્થિત રહી લોકપ્રશ્નોની ચર્ચા કરી
નર્મદા જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને દેડિયાપાડાના ધારાસભ્ય વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી ઓની હાજરીમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા જિલ્લામાં રોડ-રસ્તા રિપેરિંગ અને નવા માર્ગો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સરકારી ગ્રંથાલય દેડિયાપાડા, આરોગ્ય વિભાગની યોજનાઓ, દેડિયાપાડાની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના તબીબી સ્ટાફની ઘટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સ્થાનિકોને રોજગારીની પ્રાથમિકતા અંગે, જિલ્લાની આઈટીઆઈમાં સ્થાનિક યુવાનો માટે રોજગાર સર્જન કરી શકે તેવા નવા ટ્રેડ શરૂ કરવા, સરકારી જમીનો અને વન વિસ્તારની જમીનોમાં થયેલા દબાણો અંગેના પ્રશ્નો બેઠકમાં રજૂ કર્યા હતા. જેનો જિલ્લાના અમલીકરણ અધિકારીઓ દ્વારા જવાબ અને કરેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંહભાઈ તડવી દ્વારા નાંદોદ તાલુકા વિસ્તારના ગામમાં સરકારી જમીનમાં થયેલા દબાણો અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો. જ્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ દેડિયાપાડા- સાગબારા વિસ્તારના લોકહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેને જિલ્લા કલેક્ટરએ યોગ્ય નિકાલ કરવા અંગે બાહેંધરી આપી જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જનપ્રતિનિધિના પ્રશ્નોનો સમયસર અને સકારાત્મક નિકાલ કરી તેમને યોગ્ય પ્રત્યુતર પાઠવવાની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા સંકલન સમિતિની પાર્ટ-2ની સમીક્ષા દરમિયાન વિવિધ કચેરીઓના તથા કર્મયોગીઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ જિલ્લાની તમામ કચેરીઓની બહાર નાગરિકોમાં જાગૃતિ ફેલાવતા બોર્ડ, વ્યસન મુક્તિ/ધુમ્રપાન નિષેધના બોર્ડ, માહિતી અધિકાર, એ.સી.બીની ગાઈડલાઈન દર્શાવતા બોર્ડ કચેરીઓની બહાર યોગ્ય જગ્યાએ લાગે અને કચેરીમાં મુલાકાતે આવતા નાગરિકો/અરજદારો તેનાથી માહિતગાર થાય તે જોવા પર કલેક્ટર એ ખાસ ભાર મૂક્યો હતો.
સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ જિલ્લામાં કાર્યરત સિંગલ વિન્ડો સિસ્ટમ, બાળ અધિકાર તથા બાળ મજૂરી પ્રતિબંધ અધિનિયમ, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગેની બેઠક, નાર્કોટિક્સને લગતી બાબતો, પ્રાણી અત્યાચાર નિવારણની કામગીરી અને ગ્લુ ટ્રેપના પ્રતિબંધ અંગેની બાબતો, માર્ગ સલામતી સમિતિ તેમજ હિટ એન્ડ રનના કિસ્સામાં વળતર ચૂકવવા જેવી બાબતો અંગે સબંધિત વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્ય યોજના અને થયેલા કામોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરી આ તમામ બાબતોમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી કેટલાંક સૂચનો પણ કર્યાં હતાં.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, સહાયક પોલીસ અધિક્ષક લોકેશ યાદવ, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, નાયબ વન સંરક્ષક(સામાજીક વનીકરણ) મિતેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી અને નાયબ કલેક્ટરશ્રી(પ્રોટોકોલ) એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી સર્વશ્રી ડો.કિશનદાન ગઢવી અને ધવલ સંગાડા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.