નાંદોદ- ડેડિયાપાડાના ધારાસભ્યશ્રી બેઠકમાં ઉપસ્થિત રહી પ્રશ્નોની રજૂઆત કરી
દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં નિયમિત પણે યોજાય છે આજે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીની હાજરીમાં પ્રજાના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ દ્વારા ડી.જી.વી.સી.એલ ડાબા કાંઠા કેનાલ રિપેરીંગના કામો, રોડ-રસ્તા, બોટીંગ કરતા નાવિકાના લાયસન્સ અંગેના પ્રશ્નો, ચોમાસાની ઋતુમાં સરદાર સરોવર ડેમ અને કરજણ ડેમમાંથી પાણી છોડાય તે પૂર્વે લોકોને જાણકારી અને સલામતીના પગલાં, વન વિભાગ, માર્ગ મકાન, સરકારી ગ્રંથાલય, આરોગ્ય વિભાગ, મા-કાર્ડ, ઓર્થેપેડિક હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીના પ્રશ્નો બેઠકમાં રજૂ કર્યા હતા અને જેનો અમલીકરણ અધિકારીઓ દ્વારા જવાબ અને કરેલ કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જ્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા દ્વારા ટ્રાયબલ મ્યુઝિયમની પ્રગતિ અને થયેલા ખર્ચ અને કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે રજૂઆત કરી હતી. કેવડિયા માધ્યમિક શાળાના મકાન બાંધકામ, આરોગ્ય વિભાગમાં પી.એચ.સી. (PHC) સી.એચ.સી (CHC) માં ભરેલા મહેકમ અને ખાલી મહેકમ અંગે રજૂઆત કરાઇ હતી. પાણી પુરવઠા જૂથ યોજના તથા સાગબારા-ડેડિયાપાડામાં વિકાસશીલ તાલુકાના આયોજન અને તેમાં ધારાસભ્યએ ભલામણ કરેલા કામોની પ્રગતિ અને સ્થિતિ અંગે તથા જિલ્લા આયોજનના કામો અંગેની રજૂઆત કરી હતી. જેને જિલ્લા કલેક્ટરએ યોગ્ય નિકાલ કરવા અંગે બાહેધરી આપી હતી અને દરેક અમલીકરણ અધિકારીઓને જણાવ્યું કે, જનપ્રતિનિધિના પ્રશ્નોનો નિકાલ અને તેમને યોગ્ય પ્રત્યુતર પાઠવાની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો અને આગામી વન મહોત્સવ તેમજ માન. ભૂતાન દેશના રાજા માન. વડાપ્રધાન ભૂટાન તથા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પધારનાર છે તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સૂંબે, કેવડિયાના નાયબ વન સંરક્ષક યગ્નેશ્વર વ્યાસ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર સી.કે. ઉંધાડ અને જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા સંકલન બાદ રોડ સેફ્ટી, હીટ એન્ડ રન અને કાયદો વ્યવસ્થા અંગેની બેઠક યોજાઇ હતી. સબંધિત વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્ય યોજના અને થયેલા કામની સમીક્ષા કરવામાં આવી હતી