નડિયાદના યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર, કેશવકથાકુંજ હોલ ખાતે ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૪ યોજાયો હતો. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કુલ ૩૯,૦૧૩ જેટલા લાભાર્થીઓને રૂ.૭૪.૪૧ કરોડની સહાય આપવામાં આવી રહી છે. જેમાં કુલ ૩૮,૪૧૧ ગ્રામ્ય લાભાર્થીઓને અંદાજિત રૂ.૭૨.૬૭ કરોડ અને કુલ ૬૦૨ શહેરી લાભાર્થીઓને અંદાજિત રૂ. ૧.૭૪ કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે.
કાર્યક્રમ અંતર્ગત સ્ટેજ પરથી માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા યોજના, વિદ્યુત સંચાલિત ચાફકટર ખરીદવા પર સહાય, સ્માર્ટફોન ખરીદી પર સહાય યોજના, દીકરીને લગ્ન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના, કુંવરબાઈનુ મામેરુ, પી.એમ.સ્વનિધિ, નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન, સખી મંડળ બેંક લિન્કેજ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વાજપાઈ બેંકેબલ યોજના, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ (વ્યક્તિગત લોન સહાય) અને એ.સી.પી-એલ લોન યોજનાના ૩૦ લાભાર્થીઓને અંદાજિત રૂ. ૩૮.૧૭ લાખની સહાય આપવામાં આવી હતી. અને તથા અન્ય લાભાર્થીઓને સ્ટોલ પરથી વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરીબ કલ્યાણ મેળામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કમિશનર ઓફ ગ્રામ્ય વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકની બાબત તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ અવસરે નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી એક જ સ્થળે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભની સીધી સહાય દ્વારા વચેટિયા પ્રથાને નાબૂદ કરવામાં આવી છે. ગ્રામજનો, શહેરીજનો, મહિલાઓ, વંચિતો અને ખેડૂતોના સમતોલ વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ, આવાસ નિર્માણ, રોજગાર, રોડ-રસ્તા, સ્વરોજગારી સહિતના તમામ ક્ષેત્રોમાં અનેકવિધ યોજનાઓ દ્વારા નાગરિકોનું જીવન ધોરણ સુદ્રઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર વાઇબ્રન્ટ ગુજરાત, ગુણોત્સવ, કૃષિ મહોત્સવ અને ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમો દ્વારા સરકારી યોજનાઓના લાભ અને તેની માહિતી લોકો સુધી પહોંચતી કરી છે. ત્યારે સૌ નાગરિકોએ પણ સરકારના સેવા સેતુ, સ્વચ્છતા હી સેવા, એક પેડ મા કે નામ જેવા જનકલ્યાણના અભિયાનો અને કાર્યક્રમોમાં સહભાગી થઈ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે માતર ધારાસભ્ય અને મહેમદાવાદ ધારાસભ્ય પ્રાસંગિક ઉદબોધન આપ્યુ હતુ. તેઓએ જણાવ્યું હતુ કે રાજ્ય સરકારે જનધન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વીમા સુરક્ષા યોજના અને આયુષ્યમાન કાર્ડ, ટેક હોમ રાશન, અન્નપૂર્ણા જેવી અનેક યોજનાઓથી ગરીબોને ગરીબી રેખાથી ઉપર ઉઠાવી સ્વમાનભેર જીવતા કર્યા છે. ગરીબ કલ્યાણ મેળાના અવસરે ધારાસભ્યઓએ જરૂરિયાતમંદ લાભાર્થીઓને સહાય અપાવવા સૌને સહયોગ કરવાની અપીલ કરી હતી.
કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભની વાત કરી સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બનાસકાંઠાના ડિસા ખાતેના ગરીબ કલ્યાણ મેળાના ૧૪માં તબક્કાના ઉજવણી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય, માતર ધારાસભ્ય, ઠાસરા ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર , આસિસ્ટન્ટ કલેકટર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાંત અધિકારીઓ, વહીવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા.