વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આજે પોષીપુનમના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યશાકોત્સવનો અંદાજે ૫૦ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો હતો.
વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૦ વર્ષ પહેલા લોયામાં ભગવાનશ્રી સ્વામિનારાયણે સુરાખાચરના દરબાર ગઢમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી.
આ શાકોત્સવમાં શ્રીહરિએ ૧૬મણ ઘી માં ૬૦ મણ રીંગણનું શાક બનાવ્યું હતું. જેનો વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. બસ, ત્યારથી સંપ્રદાયમાં આ પરંપરા ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વડતાલ મંદિરના ભોજનાલયમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશસ્વામી, કોઠારી સંતસ્વામી, શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજીક અને શ્યામવલ્લભસ્વામી વગેરે સંતોએ શાકોત્સવના વ્યંજનોને તુલસીપત્રો અને ગુલાબની પાંખડીઓથી વધાવ્યા હતા. આચાર્ય મહારાજશ્રીએ ભોજનાલયના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પુનમના રોજ સવારે ઐતિહાસિક સભા મંડપ અને પ્રસાદીના કૂપ પાસે ભવ્ય સમુહમહાપુજાની આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ મહાપુજાનો ૩૦૦ થી વધુ સત્સંગી ભાઇ-બહેનોએ લાભ લીધો હતો. હૈદરાબાદના શાસ્ત્રીસ્વામી સત્યપ્રકાશદાસજી મહાપુજાના પ્રેરક હતા. સમગ્ર ઉત્સવનું આયોજન ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામીએ સંભાળી હતી.