લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પ્રથમ તબક્કા માટે ૧૯ એપ્રિલે ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો માટે મતદાન થવાનું છે. આ તબક્કામાં ૧૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સંપૂર્ણ કવર થઈ જશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ ૧૦૨ બેઠકોમાંથી ભાજપે ૪૦, દ્રવિડ મુનેત્ર કડગમે ૨૪, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૧૫ સીટો જીતી હતી. આ તબક્કામાં જે ક્ષેત્રોમાં મતદાન થવાનું છે તેમાં ભાજપ અને કોંગ્રેસના નવ ગઢ સામેલ છે, જેમાં ૨૦૦૯ બાદ બધી જ ત્રણ લોકસભા ચૂંટણી એક જ પાર્ટીએ જીતી હતી. ભાજપે ૨૦૦૯, ૨૦૧૪, અને ૨૦૧૯માં જબલપુર, ચૂરુ. બિકાનેર,
સીધી, પીલીભીત, અને બાલાઘાટ સીટો પર જીત નોંધાવી હતી, જયારે કલિયાબોર, છિંદવાડા, અને શિલાંગ સીટો પર કોંગ્રેસ જીતતી આવી છે. તેનાથી જુદું, પ્રથમ તબક્કાનાં ૧૦૨ ચૂંટણી ક્ષેત્રોમાંથી ૨૧ સ્વિંગ સીટો છે. આ સીટો પર ૨૦૦૯ અને ૨૦૧૯ની ચૂંટણીઓમાં વિજેતા એક જ હતા પણ ૨૦૧૪માં બીજી પાર્ટીને અહીંથી જીત મળી હતી. આ ૨૧ સીટોમાંથી ૨૦૦૯ અને ૨૦૧૯ની ચૂંટણીઓમાં ડીએમકેએ ૧૩ સીટો જીતી હતી, જ્યારે તેમાંની ૧૨ સીટો એવી છે જેના પર ૨૦૧૪માં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમે જીત મેળવી હતી; પટ્ટાલી મક્કલ કાચી (પીએમકે)એ ધર્મપુરીની એક સીટ જીતી હતી.
પ્રથમ તબક્કામાં કોણ મજબૂત
એક વિશ્લેષણમાં એવી પાર્ટીને મજબૂત માનવામાં આવે છે જેણે પહેલા તબક્કાની ૧૦૨ સીટોમાંથી એક ચૂંટણી ક્ષેત્રમાં ૨૦૦૯, ૨૦૧૪, અને ૨૦૧૯માં સતત જીત મેળવી છે. જો કોઈ પાર્ટીએ એક જ સીટ બે વાર જીતી હોય તો તેને અપેક્ષાકૃત મજબૂત માનવામાં આવે છે અને જેણે એક જ વાર જીત નોંધાવી હોય તેને અપેક્ષાકૃત નબળી અને જેણે એક પણ વાર જીત નોંધાવી ન હોય તેને સૌથી નબળી માનવામાં આવે છે. પહેલાં ચરણમાં જ્યાં મતદાન થવાનું છે તેમાં છ સીટો પર ભાજપ અને ત્રણ સીટો પર કોંગ્રેસ મજબુત છે. જોકે, ડીએમકેએ સતત ત્રણ વાર એક પણ સીટ નથી જીતી. ભાજપ ૩૨ સીટો પર, દ્રમુક ૧૨ સીટો પર, અને કોંગ્રેસ ૮ સીટો પર અપેક્ષાકૃત મજબૂત છે, કેમ કે તેમણે એક જ સીટ પર બે ચૂંટણીઓમાં જીત નોંધાવી છે. તેનાથી ઊલટું, કોંગ્રેસ ૩૮ સીટો પર, દ્રમુક ૧૬ પર, અને ભાજપ ૧૩ સીટો પર અપેક્ષાકૃત નબળી રહી છે, કેમ કે, એ સીટો પર ત્રણે પાર્ટીઓએ ૨૦૦૯થી ૨૦૧૯ સુધીની ત્રણ ચૂંટણીઓમાંથી માત્ર એક જ વાર જીત નોંધાવી છે.
વોટ શેરનું વિશ્લેષણ
ભાજપ ૨૦૧૯માં પ્રથમ ચરણમાં ૧૦૨ સીટોમાંથી ૬૦ પર ચૂંટણી લક્યો. પાર્ટીએ ૩૪ સીટો પર ૫૦ ટકા કરતા વધારે, ૧૯ સીટો પર ૩૦-૫૦ ટકાની વચ્ચે, અને સાત સીટો પર ૩૦ ટકા કરતાં ઓછા વોટ શેર મેળવ્યા. બીજી તરફ, ડીએમકે અગાઉની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં જે ૨૪ સીટો પર ચૂંટણી લડી તેમાંથી બધી સીટો પર તેણે જીત મેળવી હતી. જેમાંની ૧૯ સીટો પર ૫૦ ટકા કરતાં વધારે વોટ શેર અને બાકીની પાંચમાં ૩૦થી ૫૦ ટકા વોટ શેર મેળવ્યા હતા. કોંગ્રેસ ૧૦૨માંથી ૬૫ સીટો પર ચૂંટણી લડી. તેનો વોટ શેર ૧૦ સીટો પર ૫૦ ટકાથી ઉપર, ૩૬ સીટો પર ૩૦થી ૫૦ ટકા વચ્ચે, નવ સીટો પર ૧૦થી ૩૦ ટકા વચ્ચે, અને ૧૦ સીટો પર ૧૦ ટકા કરતાં નીચે રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતે આઉટર મણિપુર સીટ પર પ્રથમ અને બીજા, બંને તબક્કામાં મતદાન થશે.