તા. ૨૭/૦૭/૨૦૨૪,શનિવારના રોજ ડાંગ જીલ્લાનું પ્રસિદ્ધ કહાડીયા નૃત્યની થશે પ્રસ્તુતિ
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠતમ પ્રવાસનસ્થળ બન્યું છે, દેશ-વિદેશથી આવનાર પ્રવાસીઓ ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે અને આદિવાસી સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ઉજવવા તેમજ આ આદિવાસી વિસ્તારની વિવિધ વસ્તિ વચ્ચે એકતા અને સમજણને પ્રોત્સાહન આપવા આદિવાસી નૃત્યની પ્રસ્તુતિ કરવાનું નક્કી કરાયું છે. મુલાકાતીઓના વિશાળ સમુદાય સાથે આદિવાસી સંસ્કૃતિની જાળવણીના શુભ આશય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુકત ઉપક્રમે આ સમગ્ર આયોજન ઘડી કાઢવામાં આવ્યુ છે.
સાથે સાથે એકતા નગર સ્થિત SRP અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રના સંયુકત ઉપક્રમે દર શનિવાર-રવિવારના રોજ સાંજે પ્રવાસીઓના મનોરંજન માટે ખાસ પોલીસ બેન્ડની સુરાવલીઓ આકર્ષણ જમાવી રહી છે.
સમગ્ર વિશ્વમાં ભારત દેશ વિવિધતામાં એકતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પુરૂં પાડે છે, ત્યારે ભારતની અને ખાસ કરીને આદિવાસી સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાણકારી અને ઝલક વિશાળ સંખ્યામાં આવતા મુલાકાતીઓને મળી રહે અને ભારત દેશની સંસ્કૃતિને વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) અને ગુજરાત આદિવાસી સંસોધન અને તાલીમ સોસાયટી(TRI) વચ્ચે થયેલા સમજુતી કરાર મુજબ તા.૧ મે ૨૦૨૪ ગુજરાત સ્થાપના દિવસની સંધ્યાએથી આદિવાસી મેવાસી નૃત્ય પ્રસ્તુત કરીને આ આયોજનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આવનાર પ્રત્યેક શનિ-રવિવારે પોલીસ બેન્ડની સુરાવલીઓ સાંભળવાનો લ્હાવો મળશે તેમજ આગામી તા. ૨૭/૦૭/૨૦૨૪,શનિવારના રોજ ડાંગ જીલ્લાનું પ્રસિદ્ધ કહાડીયા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. પ્રવાસીઓને અપીલ છે કે, ઉપરોકત દિવસોમાં એક્તા નગરના પ્રવાસનું આયોજન કરીને ભારતના સાંસ્કૃતિક વારસાના દર્શન કરીએ.