અગ્નિ મિસાઈલના જનક અને દેશના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડૉ. રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની ઉંમરે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા છે. ડીઆરડીઓના અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ અગ્નિ મિસાઈલના પ્રથમ પ્રોગ્રામના ડાયરેક્ટર હતા. તેઓ ‘અગ્નિ અગ્રવાલ’ અને ‘અગ્નિ મેન’ તરીકે જાણિતા હતા. અગ્રવાલ ASLના ડાયરેક્ટર પદેથી નિવૃત્ત થયા હતા. તેમણે બે દાયકા સુધી અગ્નિ મિસાઈલ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવ્યું હતું. તેમણે મિસાઈલની વૉરહેડની રી-એન્ટ્રી, કમ્પોજિટ હીટ શીલ્ડ, બોર્ડ પ્રોપલ્શન સિસ્ટમ, ગાઈડેન્સ અને કંટ્રોલ વગેરે પર જાતે જ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમનું પદ્મશ્રી અને પદ્મભૂષણથી પણ સન્માન કરવામાં આવ્યું હતું.
With profound grief and sorrow, DRDO offers the condolence on the sad demise of Dr Ram Narain Agarwal outstanding aerospace scientist and Padma Shree, Padma Bhushan awardee, who was instrumental in the development of India’s long range missile, Agni. May his soul rest in peace. pic.twitter.com/WbsSA1bael
— DRDO (@DRDO_India) August 15, 2024
22 વર્ષ સુધી અગ્નિ મિશનના ડિરેક્ટર તરીકે કામ કર્યું
અગ્રવાલ અને તેમની ટીમે વર્ષ1989ના મે મહિનામાં પ્રોગ્રામ ડાયરેક્ટર તરીકે અગ્નિ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. તે એક ટૂંકાગાળામાં દુશ્મનને ભેદ કરવા માટે બનાવેલી બેલેસ્ટિક મિસાઈલ હતી. જેને ઓડિશાના કિનારે બાલાસોર ખાતેની ટેસ્ટ રેન્જથી લોન્ચ કરાઈ હતી. ડૉ. અગ્રવાલે 1983થી 2005 સુધી અગ્નિ મિશનના પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
પૂર્વ ડીઆરડીઓ પ્રમુખે શોક વ્યક્ત કર્યો
DRDOના વરિષ્ઠ વર્તમાન અને પૂર્વ વૈજ્ઞાનિકોએ ડૉ. રામ નારાયણ અગ્રવાલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ ડીઆરડીઓ પ્રમુખ અને મિસાઈલ વૈજ્ઞાનિક ડૉ.જી.સતીશ રેડ્ડીએ કહ્યું કે, ભારતે એક લિજેન્ડ ખોયા છે. તેમણે લોન્ગ રેન્જની મિસાઈલ વિકસાવવામાં અને તેની લોન્ચ સુવિધા ઉભી કરવામાં ઘણી મદદ કરી હતી.