જો તમારા હાડકાં નબળા હોય, કબજિયાતની સમસ્યા રહેતી હોય કે થોડીક મહેનત કરતાં જ શરીરમાં થાક લાગતો હોય, તો આ લેખ ખાસ તમારી માટે છે. અહીં અમે તમને દૂધમાં ભીંજવેલા અંજીર ખાવાના એવા આશ્ચર્યજનક ફાયદાઓ જણાવીશું ,પછી તમે તે તરત જ તમારા રોજિંદા આહારમાં શામેલ કરવા માટે ઉત્સુક થઈ જશો.
અંજીર ફાઈબરનો અદ્ભૂત સ્ત્રોત છે અને તેમાં મેગ્નેશિયમ તથા ફોસ્ફરસ જેવા ખનિજ તત્વોથી ભરપૂર પ્રમાણમાં મળે છે. તો આવો જાણીએ કે દૂધમાં અંજીર ભીંજવીને રોજ ખાવાથી કઈ 5 સમસ્યાઓથી મુક્તિ મળી શકે છે:
હાર્ટને રાખે સ્વસ્થ
અંજીરમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ હૃદયને તંદુરસ્ત રાખવામાં અને હાર્ટની બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. દૂધ સાથે તેનું સેવન હાર્ટ હેલ્થ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
ઊર્જા વધારવામાં સહાયક
દૂધ અને અંજીર બંને ઊર્જાના ઉત્તમ સ્ત્રોત છે. અંજીરમાં કુદરતી ખાંડ હોય છે, જે શરીરને તાત્કાલિક ઊર્જા આપે છે, જ્યારે દૂધમાં રહેલા પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વો ઊર્જાને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ દૂધમાં 2 અંજીર ભીંજવીને ખાઓ છો, તો તમે આખો દિવસ એનર્જેટિક અનુભવો અને નિત્યક્રિયાઓ દરમિયાન થાક ન લાગે.
કબજિયાતથી રાહત મળે
અંજીર ફાઈબરથી ભરપૂર હોય છે અને જ્યારે તેને દૂધમાં ભીંજવવામાં આવે છે ત્યારે તે વધુ નરમ થઈ જાય છે, જે પાચનતંત્ર માટે લાભદાયી સાબિત થાય છે. રોજ દૂધમાં ભીંજવેલા અંજીર ખાવાથી કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે. એ જ નહીં , તે આંતરડાઓને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
લોહીની ઉણપ દૂર થાય
અંજીર લોહતત્ત્વનો ઉત્તમ સ્ત્રોત છે. એટલે કે તે શરીરમાં રક્તકણોની ઉત્પત્તિમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. દૂધ સાથે અંજીર ખાવાથી માત્ર લોહીની ઉણપ જ નહીં દૂર થાય, પણ તેના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય. ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓએ પણ ડોક્ટરની સલાહથી તેને પોતાના આહારમાં સામેલ કરવો જોઈએ.
હાડકાંને બનાવે મજબૂત
કેલ્શિયમથી ભરપૂર અંજીર હાડકાંઓને મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ હોય છે, જે શરીરમાં કેલ્શિયમના શોષણને સરળ બનાવે છે, જેથી હાડકાંઓ મજબૂત બને છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે રોજ દૂધમાં ભીંજવેલા 2 અંજીર ખાઓ છો, તો ઑસ્ટિયોપોરોસિસ જેવી હાડકાંની બીમારીઓથી પણ બચી શકો છો.