જ્ઞાનવાપી મસ્જિદ સંકુલને સીલ કરવા અને જ્ઞાનવાપી સંકુલમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા સબંધિત અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ આજે આદેશ ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આપ્યો છે. વારાણસીની કોર્ટમાં શૃંગાર ગૌરીની નિયમિત પૂજાની પરવાનગી માટે કેસ દાખલ કરનાર રાખી સિંહ, જિતેન્દ્ર સિંહ બિસેન અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી PILમાં એ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી સંકુલમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને જ્ઞાનવાપી સંકુલમાં જોવા મળતા હિંદુ પ્રતીકોને સુરક્ષિત રાખવાનો આદેશ આપવો જોઈએ.
આ અરજી અરજદારો વતી એડવોકેટ સૌરભ તિવારીએ દાખલ કરી હતી
બીજી તરફ જ્ઞાનવાપી સંકુલમાં સતત પાંચમા દિવસે ASI સર્વેની કામગીરી ચાલી રહી છે. મંગળવારે સવારે 8:00 વાગ્યાથી ASIની ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જ્ઞાનવાપી સંકુલમાં જોવા મળતા હિંદુ પ્રતીકોને સાચવવાનો આદેશ જારી કરવાની પણ વિનંતી કરવામાં આવી હતી. જ્ઞાનવાપીમાં ASI સર્વેની કામગીરીને અસર ન થાય તે માટે આવી વ્યવસ્થા આપવા પણ કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી. આ અરજી અરજદારો વતી એડવોકેટ સૌરભ તિવારીએ દાખલ કરી હતી. ચીફ જસ્ટિસ પ્રીતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ખંડપીઠે આ અંગે સુનાવણી કરી હતી.
સર્વેમાં શું-શું થયું?
જ્ઞાનવાપી સંકુલનો ASI સર્વે આજે સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધી જ્ઞાનવાપી સંકુલમાં તપાસ કર્યા બાદ સોમવારે ASIની ટીમ ઉત્તરીય ભોંયરામાં પહોંચી હતી. ત્યાં દિવાલો અને થાંભલાઓ પર દેખાતા ધાર્મિક પ્રતિકોનું મેપિંગ કરવામાં આવ્યુ હતું. ઉત્તરીય ભોંયરામાં સ્વચ્છતા ન હોવાના કારણે સોમવારે ટીમનો મોટાભાગનો સમય ફોટો અને વિડિયોગ્રાફીમાં પસાર થયો હતો. ભોંયરામાં મળી આવેલા ધાર્મિક પ્રતીકો કોર્ટ કમિશનના સર્વે દરમિયાન પણ સામે આવ્યા હતા. હિંદુ પક્ષે આ પ્રતીકોને લઈને અલગ-અલગ દાવા કર્યા હતા. સોમવારે ટીમે તેની તપાસ ભોંયરાની છત અને થાંભલાની રચના પર કેન્દ્રિત કરી હતી.
દક્ષિણી ભોંયરુ ચમકવા લાગ્યું
જ્ઞાનવાપી સંકુલ સ્થિત દક્ષિણી ભોંયરાની સફાઈ કરી દેવામાં આવી છે. તે પ્રકાશથી ચમકવા લાગ્યુ છે. સોમવારે સર્વે ટીમે ભોંયરાનું કોડિંગ કર્યું હતું અને નકશો બનાવ્યો હતો. કાટમાળના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.