ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીરે કહ્યુ છે કે , ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ રોકવામાં ના આવી તો આ જંગ પેલેસ્ટાઈનની બહાર પણ પ્રસરી શકે છે. અમેરિકા પણ આ લડાઈની આગમાંથી બચી નહીં શકે.
ગુરુવારે યુએનની એક બેઠકમાં ઈરાનના વિદેશ મંત્રીએ ઉપરોક્ત નિવેદન આપતા કહ્યુ હતુ કે, ઈરાન શાંતિ ઈચ્છે છે. અમે યુધ્ધ વધારે ભડકે તેવુ પણ નથી ઈચ્છતા. માનવીય પ્રયાસોમાં અમે ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ઈરાન ઈચ્છે છે કે, ગાઝા પટ્ટીમાં પેલેસ્ટાઈનના લોકો પર ઈઝરાયેલ દ્વારા થઈ રહેલી કાર્યવાહી રોકવામાં આવે.
હોસેન અમીરે કહ્યુ હતુ કે, હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગુ છું કે, પેલેસ્ટાઈનમાં ચાલી રહેલા નરસંહારમાં અમેરિકા દ્વારા ઈઝરાયેલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. અમેરિકાએ સમજી લેવાની જરુર છે છે કે, ગાઝામાં આ રીતે લોકોને મારવામાં આવતા રહ્યા તો જે આગ લાગશે તેમાંથી અમેરિકા પણ નહીં બચે.
તેમણે આગળ કહ્યુ હતુ કે હમાસે તો બંધક બનાવાયેલા લોકોને છોડવાની ખાતરી આપી છે. દુનિયાએ પણ ઈઝરાયેલની જેલમાં પૂરવામાં આવેલા પેલેસ્ટાઈનના 6000 નાગરિકોની મુક્તિ માટે ઈઝરાયેલ પર દબાણ કરવુ જોઈએ. અમે કતાર અને તુર્કી સાથે મળીને આ માટે પ્રયત્ન કરવા તૈયાર છે.
જોકે ઈરાનની ધમકીઓ સામે અમેરિકાએ પણ વળતી ચીમકી આપીને કહ્યુ છે કે, અમેરિકા યુધ્ધ નથી ઈચ્છતુ પણ જો ઈરાન અથવા તેના કોઈ સાથીદાર દેશે અમેરિકનો પર હુમલો કર્યો તો અમે તેમની સુરક્ષા માટે ગમે તે કરીશું. કોઈ પણ હુમલાનો અમે જડબાતોડ જવાબ આપીશું.