લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાનની વ્યવસ્થાઓની આખરી કામગીરીને સુવ્યવસ્થિત રીતે પુર્ણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે તા. 06-05-2024 સોમવારના રોજ ખેડા લોકસભા બેઠક હેઠળની તમામ બેઠકો પર આવેલ ઈ.વી.એમ. ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી કુલ 2037 ઈવીએમ-વીવીપેટ અને અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીઓનું ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઝોન-પ્રમાણે વિતરણ કરવામાં આવ્યું હતું.
જેમાં, ચૂંટણી જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝાએ અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો ખાતે આવેલ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વિગતો અનુસાર 115-માતર વિધાનસભા બેઠકના ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી કુલ 283 ઈવીએમ-વીવીપેટ, 116-નડિયાદ ખાતેથી કુલ 249 ઈવીએમ-વીવીપેટ, 117-મહેમદાવાદ ખાતેથી કુલ 276 ઈવીએમ-વીવીપેટ, 118-મહુધા ખાતેથી કુલ 266 ઈવીએમ-વીવીપેટ, 120-કપડવંજ ખાતેથી કુલ 326 ઈવીએમ-વીવીપેટ, 57-દસક્રોઈ ખાતેથી 383 ઈવીએમ-વીવીપેટ અને 58-ધોળકા ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી કુલ 254 ઈવીએમ-વીવીપેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં, ઝોનલ અધિકારીઓ, રૂટ સુપરવાઈઝર અને રૂટ ગાર્ડની સાથે આ ઈવીએમ-વીવીપેટને સંબધિત મતદાન બૂથોએ રવાના કરાયા હતા.
આ પ્રસંગે મતદાન બૂથોનાં પ્રિસાઈડીંગ પોલીંગ બૂથ ઓફીસરશ્રીઓને ઓર્ડર વિતરણ, ટીમ ફોર્મેશન સહિતની કામગીરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હિટવેવની આગાહીને ધ્યાને રાખીને ડીસ્પેચીંગ સેન્ટર ખાતે પોલીંગ સ્ટાફ માટે પાણી, દવાઓ સહિતની મેડીકલ ટીમની સુવિધા પણ ઉપ્લબ્ધ કરાવવામાં આવી હતી.