આમ તો પાકિસ્તાનની તહેરિક એ ઈન્સાફ પાર્ટીના ચીફ ઈમરાન ખાન પર ઘણા કેસ થયેલા છે પણ હાલમાં જે કેસની ચર્ચા છે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. પાકિસ્તાનના કાયદા મંત્રીનુ કહેવુ છે કે, જો ઈમરાન ખાન આ કેસમાં દોષી જાહેર થયા તો તેમને 14 વર્ષની જેલની સજા થશે. તેમના પર દેશના ટોપ સિક્રેટ દસ્તાવેજોનો અંગત હિત માટે ઉપયોગ કરવાનો આરોપ છે.
જેમ કે ઈમરાન ખાને એક વિદેશી ડિપ્લોમેટ સાથે થયેલી વાતચીતને પોતાના રાજકીય સ્વાર્થ માટે જાહેર કરી દીધી હતી. સામાન્ય રીતે આ પ્રકારની હરકતને અંગ્રેજીમાં સાયફર તરીકે ઓળખવામાં આવે છે.
ઈમરાન ખાને જ્યારે સત્તા ગુમાવી ત્યારે તેમણે અમેરિકા પર આરોપ લગાવીને કહ્યુ હતુ કે, અમેરિકાએ રચેલા કાવતરાના કારણે મેં પીએમ પદ ગુમાવ્યુ છે. વોશિંગ્ટન ખાતેની પાકિસ્તાન એમ્બેસીએ ઈમરાન ખાનને જે મેસેજ મોકલ્યો હતો તેના આધારે ઈમરાન ખાન અમેરિકા પર આરોપ લગાવી રહ્યા હતા. ઈમરાન ખાનને જયારે આ મેસેજ મળ્યો ત્યારે તેઓ ખુશ થઈ ગયા હતા અને કહ્યુ હતુ કે, અમેરિકાએ બહુ મોટો બફાટ કર્યો છે. ઈમરાન ખાને તો એમ્બેસી તરફથી મળેલા ટોપ સિક્રેટ મેસેજને ભરી સભામાં લોકોને બતાવ્યો હતો અને કહ્યુ હતુ કે, મારી પાસે અમેરિકા સામે પૂરાવા પણ છે.
આ જ ઘટનાનો ઉલ્લેખ કરીને હાલના કાયદા મંત્રીએ કહ્યુ છે કે, આ પ્રકારનો મેસેજ ઈમરાન ખાને લીક કર્યો હતો. જે કાયદાની વિરુધ્ધ છે. આ કેસમાં ઈમરાન ખાનને 14 વર્ષની સજા થવાની શક્યતા છે.