દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઈ જતા ફરીવાર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશને જણાવ્યું કે યમુના પરના જૂના લોખંડના રેલવે બ્રિજ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે પાણીનું સ્તર 205.5 મીટર નોંધાયું હતું.
લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
જો યમુના નદીનું જળ સ્તર 205 મીટરથી ઓછું રહે તો તેને સુરક્ષિત માનવામાં આવે છે. ગઈકાલે યમુના નગરના હથિનીકુંડ બેરેજમાં પાણીનો પ્રવાહ 30 હજાર ક્યુસેકથી 50 હજાર ક્યુસેક પ્રતિ કલાક હતો. યમુના નદીનું જળસ્તર વધવાને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાવા લાગ્યું છે. દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરુપે તેમના ઘરોમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
આગામી 5 દિવસનું હવામાન કેવું રહેશે ?
ભારતીય હવામાન વિભાગ અનુસાર દિલ્હીમાં 2 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના છે તેમજ લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીથી 27 ડિગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન 29થી 35 ડિગ્રીની રેન્જમાં રહેશે. આજે પણ દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ડેટા જાહેર કરીને જણાવ્યું કે મયુર વિહાર વિસ્તારમાં ગઈકાલે સૌથી વધુ વરસાદ થયો હતો.
હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ
હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાનું ચાલુ છે. હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. વીજ પુરવઠો ખોરવા ઉપરાંત બે પુલ પણ ધોવાઈ ગયા હતા. હવામાન વિભાગે 12 માંથી 8 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ ઉત્તરાખંડના હરિદ્વાર, નૈનીતાલ અને ચમોલી જિલ્લામાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.