ભારતની ચૂંટણીમાં અમેરિકી ફડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે નિવેદન આપ્યું છે. જેને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, ‘અમને અમેરિકી પ્રશાસન દ્વારા કેટલીક યુએસ ગતિવિધિયો અને ફડિંગ વિશે જાણકારી આપવામાં આવી. આ એક હેરાન કરનારી વાત છે. જેમાં ભારતના આંતરિક મામલામાં વિદેશી દખલગીરી ચિંતાનો વિષય છે.’
Starting shortly.
Tune in for our Weekly Media Briefing:https://t.co/YM90hIVZ3X
— Randhir Jaiswal (@MEAIndia) February 21, 2025
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, ‘સમગ્ર મામલે સંબંધિત વિભાગ અને એજન્સીઓ તપાસ કરી રહી છે. આ સમયે જાહેર રીતે ટિપ્પણી કરવી એ ઉતાવળ ગણાશે. અધિકારી આ મામલે ધ્યાન દઈ રહ્યા છે અને આશા છે કે અમે આ મુદ્દે આગળ અપડેટ આપીશુ. સાર્ક પર ચર્ચા થઈ કે નહીં તે અંગે જ્યારે વિદેશ મંત્રીએ મસ્કતમાં બાંગ્લાદેશના વિદેશ સલાહકાર સાથે મુલાકાત કરી હતી, ત્યારે વિદેશ મામલાની બેઠકમાં આ મુદ્દાને બાંગ્લાદેશ તરફથી ઉઠાવવામાં આવ્યો હતો. દક્ષિણ એશિયામાં દરેક વ્યક્તિ જાણે છે કે કયો દેશ અને કઈ પ્રવૃત્તિઓ સાર્કને વિક્ષેપિત કરવા માટે જવાબદાર છે. મહત્ત્વનું છે કે, બાંગ્લાદેશે આતંકવાદને સામાન્ય ન બનાવવો જોઈએ.’
ભારત અને ચીનના સંબંધોને લઈને થયેલી ચર્ચા અંગે રણધીરે કહ્યું કે, ‘ભારત અને ચીનના વિદેશ મંત્રીઓએ નવેમ્બરમાં મળેલી બેઠક પછી બંને પક્ષોના સંબંધોમાં થયેલા વિકાસને લઈને સમીક્ષા કરી હતી. ખાસ કરીને બોર્ડર વિસ્તારો અને સુમેળ વ્યવસ્થાપન, કૈલાશ માનસરોવર યાત્રા, ફ્લાઇટ કનેક્ટિવિટી અને મુસાફરી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.’ જ્યારે રશિયા અને યુક્રેનના સંબંધને લઈને રણધીરે કહ્યું કે, ‘જોહાન્સબર્ગમાં G20ની વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે સ્વભાવિક રીતે ભારત અને રશિયાના સંબંધોને લઈને ચર્ચા કરી અને યુક્રેનના સંઘર્ષને લઈને હાલના ઘટનાક્રમ વિશે પણ ચર્ચા કરી હતી.’
ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદનમાં ફાઇટર એરક્રાફ્ટનો ઉલ્લેખ
પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટના સંપાદન અંગે જાયસવાલે કહ્યું કે, ‘ભારત-અમેરિકાના સંયુક્ત નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યુએસ પક્ષ ભારતને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ આપવાની તેની નીતિની સમીક્ષા કરી રહ્યું છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન F-35 વિમાનનો પણ ઉલ્લેખ કર્યો. અમારા તરફથી હજુ સુધી પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ માટે કોઈ ઔપચારિક સંપાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી.’
કાશ્મીર પર તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એર્દોગનની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘અમે ભારત વિરુદ્ધ આવી વાંધાજનક ટિપ્પણીઓને નકારી કાઢીએ છીએ. અમે તુર્કીના રાજદૂત સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર આવા બિનજરૂરી નિવેદનો અસ્વીકાર્ય છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. જમ્મુ અને કાશ્મીરના લોકો માટે સૌથી મોટો ખતરો રહેલા ભારત વિરુદ્ધ સરહદ પારના આતંકવાદનો ઉપયોગ કરવાની પાકિસ્તાનની નીતિ બંધ થઈ હોત તો સારું થાત.’
ટ્રમ્પે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે મિયામીમાં એક ભાષણ આપતાં કહ્યું કે, ‘ભારત માટે યુએસએઆઇડી ફંડ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બાઇડન પ્રશાસને આ ફંડની ભારતમાં 2024ની લોકસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતમાં મતદાન વધારવા માટે અમેરિકાએ શા માટે 21 મિલિયન ડોલર આપવાની જરૂર પડી. મને લાગે છે કે, તે અન્ય કોઈની સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’