ખેડા જિલ્લાના નડિયાદ સહિત કપડવંજ મહુધા વસો કઠલાલ ડાકોર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, નડિયાદમાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી, પૂર્વને પશ્ચિમથી જોડતો રસ્તો બંધ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
નડિયાદ શહેરમાં મધરાતથી ભારે વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં સાડા ચાર ઈંચ વરસાદથી પાણી જ પાણી થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા, ખેડા, મહિસાગર સહિત અનેક જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જેથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે.