છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરચોલીના જંગલોમાં અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઘટનાસ્થળેથી માર્યા ગયેલા નક્સલીઓ પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. સુરક્ષાદળોના જવાનો દ્વારા ચારે બાજુથી ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
#UPDATE | Bijapur, Chhattisgarh: A Naxalite has been killed. A weapon recovered. Search operation is underway
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 2, 2024
અત્યાધુનિક હથિયારો મળી આવ્યા
બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર નક્સલવાદીઓના મૃતદેહ અને એક એલએમજી, બીજીએલ લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. ફાયરિંગમાં કોઈ સુરક્ષાકર્મી ઘાયલ થયાના અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોને સોમવારે નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા. આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ છે. અધિકારીના જણાવ્યાનુસાર, જ્યારે ટીમ લેન્દ્રા ગામના જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
આ વર્ષે કુલ 37 નક્સલવાદીઓ માર્યા ગયા
તેમણે જણાવ્યું કે બંને તરફથી થોડીવાર સુધી ગોળીબાર થયા બાદ નક્સલવાદીઓ આ સ્થળેથી ભાગી ગયા હતા. બાદમાં જ્યારે સ્થળની તપાસ કરવામાં આવી ત્યારે ચાર નક્સલવાદીઓના મૃતદેહ, એક ઓટોમેટિક લાઇટ મશીન ગન (LMG), ‘બેરલ ગ્રેનેડ લોન્ચર’ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. હાલ માર્યા ગયેલા નક્સલવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અત્યાર સુધીમાં બીજાપુર જિલ્લા સહિત બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથે અલગ-અલગ ઓપરેશનમાં 37 નક્સલવાદીઓ માર્યા ગયા છે.