વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની હવે ખેર નહીં રહે કારણકે ભારતમાં ટૂંક સમયમાં ભારતપોલ શરૂ થવા જઇ રહ્યું છે. વિદેશમાં છુપાયેલા આરોપીના માહિતી મેળવવા અને રાજ્યોની પોલીસ વચ્ચે તાલમેલ મેળવવા CBIએ ભારતપોલની શરૂઆત કરી છે. ભારતપોલ તમામ રાજ્યોની પોલીસ વચ્ચે તાલમેલ બનાવવાનું કામ કરશે. ત્યારે ભારતપોલ શરૂ થવા પર વિદેશમાં છુપાયેલા આરોપીની મુશ્કેલી વધશે.
7 જાન્યુઆરીએ કરાશે શરૂઆત
અધિકારીઓએ જણાવ્યું કે આવા તમામ કોમ્યુનિકેશન એક્સચેન્જને એક સમર્પિત ઓનલાઈન પ્લેટફોર્મ પર લાવવાનો વિચાર સીબીઆઈના ડાયરેક્ટર પ્રવીણ સૂદને આવ્યો હતો. જેનાથી મહત્વપૂર્ણ કેસોમાં પ્રોસેસિંગનો સમય ઘટશે અને દરેક કેસની પ્રક્રિયા પર નજર રાખવામાં પણ સરળતા રહેશે. તેમણે કહ્યું કે સીબીઆઈ દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરાયેલ આ પ્રોજેક્ટ ટેસ્ટિંગ મોડમાં છે અને તે 7 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.
ઈન્ટરપોલ દ્વારા સીબીઆઈ ઈન્ટરપોલના અન્ય સભ્ય દેશોની એજન્સીઓ પાસેથી ભારતમાં ગુના કે ગુનાની તપાસમાં મદદ કરવા માટે જરૂરી માહિતી મેળવી શકે છે. ઉપરાંત તે અન્ય દેશોને મદદ કરવા માટે અપરાધ સંબંધિત ડેટા અને ગુપ્ત માહિતી શેર કરી શકે છે. તમામ કાયદા અમલીકરણ એજન્સીઓ વિદેશમાં છુપાયેલા ભાગેડુઓની ધરપકડ માટે ઈન્ટરપોલ રેડ નોટિસ, ગુમ વ્યક્તિઓ માટે યલો નોટિસ, ગુનાહિત તપાસના સંબંધમાં વ્યક્તિની ઓળખ, સ્થળ અથવા પ્રવૃત્તિઓ વિશેની માહિતી માટે બ્લુ નોટિસ અને અન્ય આવા મુદ્દાઓ સીબીઆઈને રજૂ કરે છે.
ભારતપોલ વિદેશમાં છુપાયેલા આરોપીની માહિતી ઈન્ટરપોલ પાસેથી મેળવશે. ત્યારે હવે નિરવ મોદી, વિજય માલિયા અને બીજા કોઈ એવા હોય તે દેશનું કરીને ભાગી ગયા હોય તેવા લોકોને આસાનીથી ઝડપી પાડવામાં ભારતપોલ મદદ રૂપ થઇ શકશે.