ગાંધીનગરમાં ગુરુવારે રાજકીય હલચલનો માહોલ રહ્યો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવામાં આવ્યા. રાજ્યની નવી કેબિનેટની રચના શુક્રવારે (17 ઑક્ટોબર) થવાની છે. આ રાજીનામાં પછી મુખ્યમંત્રીના કાર્યાલય તરફથી માહિતી આપવામાં આવી કે તમામ મંત્રીઓનાં રાજીનામાં રાજ્યપાલને મોકલવામાં આવશે અને સાંજ સુધીમાં નવી મંત્રિમંડળની યાદી તૈયાર કરી લેવામાં આવશે.
નવી સરકારના શપથગ્રહણનો સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરે શુક્રવારે સવારે 11:30 કલાકે યોજાશે. સામાન્ય રીતે રાજ્ય કેબિનેટની બેઠક દર બુધવારે યોજાતી હોય છે, પરંતુ આ અઠવાડિયે બુધવારની બેઠક રદ કરવામાં આવી હતી — જેનાથી રાજકીય અણસાર ઉઠ્યા હતા કે રાજ્ય સરકારમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. આ અણસારને હવે સત્તાવાર સ્વરૂપ મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનું રાજીનામું આપ્યું નથી, જેના કારણે સ્પષ્ટ થયું છે કે તેઓ જ નવા મંત્રિમંડળનું નેતૃત્વ કરશે. જો મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું હોત તો સમગ્ર કેબિનેટ આપોઆપ ભંગ થઈ જાત, પરંતુ આવું ન થતાં એ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે કે ભૂપેન્દ્ર પટેલને બદલી શકાય છે.
શક્યતા છે કે નવી કેબિનેટમાં એકાદ-બે જુના મંત્રીઓને જ રાખવામાં આવશે અને મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન મળશે. આ પ્રક્રિયાને “નવો ચહેરો, નવો ઉર્જા” તરીકે રજૂ કરવાની તૈયારી ભાજપ દ્વારા થઈ રહી છે. રાજીનામું આપનારા અમુક મંત્રીઓને આવતીકાલે ફરીથી શપથ ગ્રહણ કરાવવાની પણ શક્યતા છે, ખાસ કરીને તેઓ જેઓની કામગીરીને પાર્ટી હાઇકમાન્ડે સંતોષકારક ગણાવી છે.
આ તમામ રાજકીય હલચલ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુરુવારે ગાંધીનગર આવી પહોંચ્યા હતા અને તેમણે રાજ્યના શીર્ષ નેતૃત્વ સાથે લાંબી ચર્ચા કરી. શક્ય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડા અને કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુરુવાર સાંજ સુધીમાં અમદાવાદ અથવા ગાંધીનગર આવી પહોંચે, જેથી નવા મંત્રિમંડળની અંતિમ મંજૂરી અને શપથગ્રહણની તૈયારીઓ પર ચર્ચા કરી શકાય.
રાજ્યની રાજકીય સરગમ હાલ ઉત્સુકતાથી શુક્રવારની સવારે 11:30 વાગ્યાની રાહ જોઈ રહી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતનું નવું મંત્રિમંડળ શપથ લેશે — જે આગામી ચૂંટણી પહેલાંનું મહત્વપૂર્ણ રાજકીય સંકેત બની શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel