ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો 25 થી 50 બેસિસ પોઈન્ટ સુધીનો હોઈ શકે છે. જોકે આ બધાની વચ્ચે રૂપિયામાં ઘટાડો RBI માટે ચિંતાનો વિષય છે. આ તરફ છૂટક ફુગાવો વર્ષના મોટાભાગના સમય માટે રિઝર્વ બેંકની 6 ટકાની મર્યાદામાં રહ્યો છે. આ કારણોસર ઓછા વપરાશથી પ્રભાવિત વૃદ્ધિને વેગ આપવા માટે કેન્દ્રીય બેંક પણ દર ઘટાડી શકે છે. જોકે કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે, કેન્દ્રીય બેંક હાલમાં બજેટમાં કોઈ ફેરફાર કરશે નહીં. કારણ કે, ફુગાવો હમણાં જ સ્થિર થવા લાગ્યો છે. આવી સ્થિતિમાં જો રેપો રેટ ઘટાડવામાં આવે તો ફુગાવો વધી શકે છે.
7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે RBI બેઠક
ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ બેઠક 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે જે 7 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ પછી સેન્ટ્રલ બેંકના ગવર્નર રેપો રેટ અને અન્ય નિર્ણયો વિશે માહિતી આપશે. આ બેઠકમાં રેપો રેટ ઉપરાંત ફુગાવો, GDP અને અન્ય બાબતો વિશે પણ માહિતી આપવામાં આવશે. રિઝર્વ બેંકના નવનિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રા તેમની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ (MPC) બેઠકની અધ્યક્ષતા કરશે.
RBI એ લિક્વિડિટી વધારવાનો નિર્ણય લીધો
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લિક્વિડિટી વધારવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સિસ્ટમમાં તરલતા (લિક્વિડિટી) વધારવા માટે RBI એ 60,000 કરોડ રૂપિયાની સરકારી સિક્યોરિટીઝ ખરીદવાનો નિર્ણય લીધો છે. ડોલર-રૂપિયા સ્વેપ ઓક્શન દ્વારા લિક્વિડિટી વધારવાની પણ યોજના છે. આવી સ્થિતિમાં એવું પણ માનવામાં આવે છે કે, RBI લોન દર ઘટાડીને તરલતા (લિક્વિડિટી) વધારી શકે છે.