વર્ષોથી ચોમાસાની આગાહી અલગ અલગ રીતે કરવામાં આવે છે. જેમાં હોળીની જ્વાળાથી લઈને અન્ય રીતે પણ વર્તારા કરવામાં આવે છે. ત્યારે ચોમાસાના આગમન પહેલાં કુદરતી ક્રમ – નિયમ મુજબ વૈશાખ મહિનામાં ઇંડા મૂકતી ટીટોડીએ ચાલુ વર્ષે ફાગણમાં જ ઇંડા મૂક્તાં કુતુહલ સર્જાવાની સાથે સાથે વહેલાં ચોમાસું બેસવાની પણ શક્યતા ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનામાં ઇંડા મૂકે છે. ટીટોડી ઇંડા ક્યાં મૂકે છે તેને લઇને પણ વર્ષ દરમિયાન ચોમાસું કેવું રહેશે તેનો અંદાજો લગાવવામાં આવે છે. જેમાં જો ટીટોડી ઉંચાઈ ઉપર ઈંડા મૂકે તો વરસાદ વધુ અને જમીન ઉપર કે જમીનથી ઓછી ઉંચાઇએ મૂકે તો વરસાદ ઓછો આવશે તેમ માનવામાં આવે છે. જોકે, ચાલુ વર્ષે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પારીયાના મુવાડા ગામમાં આવેલા ઉકરડા પર બે અલગ અલગ ટીટોડીએ વૈશાખને બદલી ફાગણમાં જ ઇંડા મૂકતાં કુતુહલ સર્જાયું છે. જાણકારો અને ગામના વડીલોના જણાવ્યાનુસાર, ટીટોડીએ ઇંડા વહેલાં મૂક્યા છે તો વરસાદ પણ વહેલો આવશે. આ ઉપરાંત જમીનથી અંદાજે 5 ફૂટ ઉંચે ઇંડા મૂક્યા હોવાથી વરસાદ પણ સારો થવાની શક્યતા છે. હાલમાં ટીટોડી પોતાના ઇંડાને સેવી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી ટીટોડી લોકાર્ષણનું કેન્દ્ર બની છે અને લોકો કૂતુહલવશ ટીટોડી અને તેના ઇંડાને જોવા આવે છે.