દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા આજે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP)-1 લાગુ કરવામાં આવ્યું છે. GRAPના માધ્યમથી પ્રદૂષણને દૂર કરવા માટે સમગ્ર દિલ્હી-NCRમાં ઠોશ પગલા ભરવામાં આવ્યા છે. કમિશન ઓફ એર ક્વોલિટી ઇન્ડેક્સ મેનેજમેન્ટ (CAQM) આ નિર્ણય લીધો છે. હાલમાં GRAP-1 દિલ્હી અને NCRના અન્ય શહેરોમાં લાગુ કરવામાં આવ્યું છે. જેમાં નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે.
GRAP એટલે શું?
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) એ દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે તૈયાર કરાયેલો ખ્યાલ છે. જેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2017 માં સૂચિત કરવામાં આવ્યું હતું. GRAPને હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સ્તરના આધારે ચાર તબક્કામાં લાગુ કરવામાં આવે છે:
સ્ટેજ 1 (ખરાબ): AQI 201-201
સ્ટેજ 2 (ખૂબ જ ખરાબ): AQI 301-400
સ્ટેજ 3 (ગંભીર): AQI 401-450
સ્ટેજ 4 (ગંભીર+): 450 થી વધુ AQI
GRAP-1 હેઠળ આ કામગીરી કરાશે
– રસ્તાઓ પર નિયમિત મિકેનિકલ સફાઈ અને પાણીનો છંટકાવ.
– બાંધકામ સ્થળોએ ધૂળ નિયંત્રણ પગલાં.
– કચરાનું યોગ્ય સંચાલન અને ખુલ્લામાં કચરો બાળવા પર પ્રતિબંધ.
– પ્રદૂષણ ફેલાવતા વાહનોનું કડક ચેકિંગ.
– ટ્રાફિક વ્યવસ્થાપનમાં સુધારો.
– ઉદ્યોગો, પાવર પ્લાન્ટ અને ઈંટના ભઠ્ઠામાં ઉત્સર્જન નિયંત્રણ.
– રેસ્ટોરન્ટમાં કોલસો અથવા લાકડાના ઉપયોગ પર પ્રતિબંધ.
– ડિઝલ જનરેટરના ઉપયોગ પર મર્યાદિત પ્રતિબંધો (ફક્ત કટોકટીના ઉપયોગની મંજૂરી).
નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા, ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરવા અને ધૂળ ઉત્પન્ન કરતી પ્રવૃત્તિઓ ટાળવા વિનંતી કરવામાં આવે છે.
છેલ્લા ચાર દિવસમાં AQIનું સ્તર
13 મે, 2025: સરેરાશ AQI 140
14 મે, 2025: સરેરાશ AQI 155
15 મે, 2025: સરેરાશ AQI 194
16 મે, 2025: સરેરાશ AQI 257
GRAP-1 છેલ્લે ઑક્ટોબર 2024માં લાગુ કરવામાં આવ્યું હતું, જ્યારે AQI 224 નોંધાયું હતું. ફેબ્રુઆરી 2025માં GRAP-3 રદ કરવામાં આવ્યું હતું, અને GRAP-1 અને GRAP-2 હેઠળના પગલાં શરૂ રાખવામાં આવ્યા હતા. જોકે, મે મહિનામાં ગરમી અને ધૂળના કારણે પ્રદૂષણ વધ્યું હોવાનું સામે આવ્યું છે.
લોકો માટે સલાહ:
-
માસ્ક પહેરો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો
-
ઘર બહાર નીકળવું ટાળો જ્યારે AQI ખૂબ ખરાબ હોય
-
સરકારી માર્ગદર્શનનું પાલન કરો
-
પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરો, કારપુલ કરો