ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ સમગ્ર દેશમાં હાઈએલર્ટ છે. તેમજ ગત રાત્રે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા બાદ સેના સતત પાકિસ્તાનના શહેરો પર હુમલો કરીને જવાબ આપી રહી છે. ત્યારે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો સોમનાથ અને દ્વારકા મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સોમનાથ મંદિર પરિસર અને તેની આસપાસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મંદિરમાં પ્રવેશ અને બહાર નીકળવાના તમામ સ્થળો પર સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા સઘન કરાઈ
આ ઉપરાંત મંદિર પરિસર અને તેની આસપાસ શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. યાત્રાળુઓને પણ ભગવાનના દર્શન કરવા મંદિરમાં આવતી વખતે પોતાનું ઓળખપત્ર સાથે રાખવા અને સુરક્ષામાં સહકાર આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરની સુરક્ષા પણ મજબૂત બનાવવામાં આવી છે. અહીં પણ પોલીસના જવાનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દ્વારકા મંદિર તરફ આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દરિયાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોસ્ટગાર્ડ પણ સતર્ક છે.
ગુજરાતના સાત એરપોર્ટ ફ્લાઇટ માટે બંધ
ભારત સરકાર દ્વારા દેશના કુલ 24 એરપોર્ટ માટે એરમેનને નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં જામનગર, રાજકોટ (હિરાસર), પોરબંદર, કેશોદ, કંડલા, ભુજ અને મુન્દ્રા (અદાણી) એરપોર્ટનો સમાવેશ થાય છે. આ તમામ એરપોર્ટ સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એરમેનને નોટિસ આપવાનો અર્થ એ છે કે આ એરપોર્ટ પર ફ્લાઇટની કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ સુરક્ષા જાળવવાનો અને સશસ્ત્ર દળો માટે ઓપરેશનલ તૈયારી સુનિશ્ચિત કરવાનો છે.