પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન ગુજરાતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે. રાજ્યમાં વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપવા અને નવી પેઢીને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાના હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા વિવિધ વિસ્તારોમાં આધુનિક રિજનલ સાયન્સ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે.
રાજ્યના પાટણ, રાજકોટ, ભાવનગર અને ભુજ ખાતે કાર્યરત ચાર અત્યાધુનિક રિજનલ સાયન્સ સેન્ટર અત્યાર સુધીમાં 25.64 લાખથી વધુ લોકો માટે જ્ઞાન અને વિજ્ઞાનના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યા છે. આ સેન્ટરો માત્ર પ્રદર્શન ગેલેરી પૂરતા સીમિત નથી, પરંતુ વિદ્યાર્થીઓ, સંશોધકો અને સામાન્ય નાગરિકો માટે જીવંત પ્રયોગશાળા તરીકે કાર્ય કરી રહ્યા છે.
પાટણ સાયન્સ સેન્ટર બન્યું વિજ્ઞાન પ્રસારનું હબ
પાટણમાં વર્ષ 2022માં લોકાર્પણ કરાયેલા રિજનલ સાયન્સ સેન્ટરે ટૂંકા સમયમાં જ વિશેષ લોકપ્રિયતા મેળવી છે. અત્યાર સુધીમાં 14.86 લાખથી વધુ મુલાકાતીઓ આ સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યા છે.
આ સેન્ટર 2700થી વધુ શાળાઓ સાથે જોડાઈને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને સંશોધનપ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યું છે. વિવિધ ઇન્ટરએક્ટિવ પ્રદર્શન અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિજ્ઞાનને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવે છે.
ભુજ સાયન્સ સેન્ટર બન્યું પ્રવાસીઓનું આકર્ષણ
કચ્છના ભુજમાં આવેલું રિજનલ સાયન્સ સેન્ટર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. અહીં અત્યાર સુધીમાં 2.57 લાખથી વધુ મુલાકાતીઓ આવી ચૂક્યા છે.
આ સેન્ટરની વિશેષતા એ છે કે અહીં ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી આવેલી છે. અવકાશ વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે આ કેન્દ્ર વિશેષ આકર્ષણ ધરાવે છે.
ભાવનગરમાં ગ્રીન મોડલ સાયન્સ સેન્ટર
ભાવનગરનું રિજનલ સાયન્સ સેન્ટર 20 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેને ‘ગ્રીન મોડલ’ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
અહીં 9D વર્ચ્યુઅલ રિયાલિટી થિયેટર, મરીન ગેલેરી અને આધુનિક વિજ્ઞાન આધારિત પ્રદર્શનો મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. પર્યાવરણ અને ટેકનોલોજીનું અનોખું સંકલન અહીં જોવા મળે છે.
રાજકોટમાં રોબોટિક્સ અને AR-VR ટેકનોલોજીનું કેન્દ્ર
રાજકોટનું રિજનલ સાયન્સ સેન્ટર ઇનોવેશન અને ભવિષ્યની ટેકનોલોજી માટે ઓળખાય છે. અહીં રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને નવી પેઢીનું શિક્ષણ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓને ટેક્નોલોજી આધારિત પ્રાયોગિક જ્ઞાન અને સર્જનાત્મક વિચારો માટે પ્રેરણા આપવાનું આ સેન્ટરનું મુખ્ય ધ્યેય છે.
વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવાનું મહત્વપૂર્ણ કાર્ય
GUJCOST દ્વારા સંચાલિત આ ચારેય સાયન્સ સેન્ટરો રાજ્યમાં વિજ્ઞાન જાગૃતિ અને નવીનતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સંશોધન, નવીનતા અને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે આ સેન્ટરો અસરકારક માધ્યમ બની રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. રાજ્યના આ પ્રયાસો આગામી સમયમાં ગુજરાતને વિજ્ઞાન અને ઇનોવેશનના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel