વડતાલ ધામ દ્વારા અનેક ઐતિહાસિક કાર્યો થયા છે. ફરી એકવાર વડતાલ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં ગોમતી સરોવરના કિનારે 38,800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ “અક્ષરભુવન” સાકાર થવા જઈ રહ્યું છે. વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતીક રહ્યું છે. અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્વની ભૂમિકા ભજવશે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રસ્થળ વડતાલ ધામ ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરાને પોષણ આપતું તીર્થસ્થળ છે. જ્યાં બિરાજમાન અતિપ્રતાપિ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા રહેલી છે. આ એક જ એવું સ્થળ છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતાના હસ્તે આ દેવોને પ્રતિષ્ઠિત કર્યા છે અને પોતાનું દૈવત્વ આ મૂર્તિઓમાં પ્રસ્થાપિત કર્યું છે. આ મંદિરના નિર્માણમાં સ્વયં ભગવાને પોતે ઇંટો ઉપાડેલી છે. આ લક્ષ્મીજીની તપોસ્થલી મનાતા વડતાલધામમાં ભગવાન શ્રીહરિએ સકલશાસ્ત્રસારરૂપી શિક્ષાપત્રી ગ્રંથની રચના કરી અને સંપ્રદાયના ઉજ્જ્વળ ભવિષ્ય તથા વ્યાવહારિક વ્યવસ્થા જાળવવા આચાર્ય પદની સ્થાપના પણ અહીંયા જ કરેલી છે. એવી પુણ્યશાળી ધરા પર ફરી એકવાર ભવ્ય, દિવ્ય અને અલૌકિક અક્ષરભુવન – ધી સ્વામિનારાયણ મ્યુઝિયમ એન્ડ એક્સિબ્યુશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે.