દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે ત્યારે ઉત્તર ભારત સહિત અનેક રાજ્યોમાં કાતિલ ગરમીએ કેર વર્તાવ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં સતત વધતા તાપમાન અને હીટ સ્ટ્રોકના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. બીજીબાજુ ગુજરાતમાંથી વિનાશ વેરતા પસાર થયેલા બિપરજોય વાવાઝોડાંએ રાજસ્થાનમાં પણ તારાજી સર્જી છે. તેની અસરના પગલે રવિવારે ત્રણ જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ઉત્તર ભારતના રાજ્યો ઉત્તર પ્રદેશ અને બિહારમાં કાળઝાળ ગરમીએ કેર વર્તાવ્યો છે. હવામાન વિભાગે બંને રાજ્યોમાં ગરમી અંગે એલર્ટ જાહેર કરી છે. ઉત્તર પ્રદેશના બલિયામાં ૧૫, ૧૬ અને ૧૭ના રોજ ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી સે.ને પાર થઈ ગયો હતો જ્યારે બિહારના અનેક જિલ્લામાં ૪૪-૪૫ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. ઓડિશામાં હીટવેવથી ૨૦નાં મોતના અહેવાલો વચ્ચે રાજ્ય સરકારે ૧ વ્યક્તિના મોતની પુષ્ટી કરી. રાજ્ય સરકારે મૃતકના પરિવારને રૂ. ૫૦,૦૦૦ની સહાય જાહેર કરી છે.
ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આગ ઓકતી ગરમીથી મૃતકો તથા દર્દીઓની સંખ્યા અચાનક જ વધી ગઈ છે. અહીં ૧૫, ૧૬ અને ૧૭ એમ ત્રણ દિવસમાં તાવ, શ્વાસ ચઢવો જેવા વિવિધ કારણોથી અંદાજે ૪૦૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા, જેમાંથી ૧૫મી જૂને ૨૩, ૧૬મી જૂને ૨૦ અને ૧૭મી જૂને ૧૧ એમ કુલ ૫૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બલિયાના ચીફ મેડિકલ ઓફિસર જયંત કુમારે જણાવ્યું હતું કે, હૃદય રોગના હુમલા, બ્રેઈન સ્ટ્રોક અને ઝાડા-ઉલ્ટીના કારણે મોટાભાગના લોકોના મોત થયા હતા.
પટનામાં છેલ્લા ૨૪ કલાકમાં ગરમીના કારણે બીમાર પડી જવાથી ૪૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. હવામાન વિભાગે ૧૮ સ્થળો પર ગંભીર હીટવવે અને ૪ સ્થળો પર હીટવેવની ચેતવણી આપી છે. એનએમસીએચમાં ૧૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો તો પીએમસીએચમાં ૧૬ દર્દીનાં મોત નીપજ્યાં હતા. બિહારના અન્ય જિલ્લાઓમાં પણ લૂ લાગવાથી ૯ લોકોએ જીવ ગુમાવ્યો છે. બેગૂસરાય, સાસારામ અને નવાદામાં બે-બે લોકોનાં મોત થયા છે. આ સિવાય ભોજપુર અને ઔરંગાબાદમાં એક-એકનાં મોત નીપજ્યાં છે.હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે બિહારના બાંકા, જમુઈ, જહાનાબાદ સહિતના કેટલાક વિસ્તારોમાં હીટવેવની ચેતવણી આપી છે. આરામાં લૂ લાગવાના કારણે અત્યાર સુધીમાં ૧૦થી ૧૨ લોકોનાં મોત નીપજ્યાં છે. બિહારમાં વધતા તાપમાન વચ્ચે હીટ સ્ટ્રોકથી હોસ્પિટલમાં ઝાડા-ઉલ્ટી, બેભાન અવસ્થા અને શ્વાસ ચઢી જવા તેમજ બ્લડ પ્રેશર જેવી બીમારીથી પીડિત દર્દીઓની સંખ્યા વધી છે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, વિદર્ભ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં૧૯ જૂન સુધી ભયાનક ગરમીની એલર્ટ જાહેર કરી છે. જેને પગલે અનેક રાજ્યોએ સ્કૂલોમાં રજાઓ વધારી દીધી છે. બિહારના જમશેદપુરમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ઓડિશા અને ઝારખંડમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. આ સિવાય મહારાષ્ટ્રમાં વિદર્ભનો વિસ્તાર પણ ગરમીની ઝપેટમાં આવી ગયો છે. બિહારમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે. બીજીબાજુ કેટલાક વિસ્તારમાં મોડી સાંજે વરસાદ પણ પડયો હતો.
દરમિયાન બિપરજોય વાવાઝોડાંના કારણે રવિવારે રાજસ્થાનના ત્રણ જિલ્લા ઝાલોર, સિરોહી અને બાડમેરમાં મૂશળધાર વરસાદ પડયો હતો. જોકે, કોઈ જાનહાની કે પશુઓનાં મોતનાં કોઈ અહેવાલ નથી. અધિકારીઓએ જણાવ્યું કે, બાડમેર અને સિરોહીમાં ૩૬ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. વધુમાં કેટલાક જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦થી ૧૩ ઈંચ સુધી વરસાદ પડયો છે. ઝાલોર, સિરોહી અને બાડમેરમાં મૂશળધાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બાડમેરમાં પિંડવારા, આબુ રોડ અને રાવદારમાં મોટા ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે ચાર-પાંચ નાના ડેમ અને નર્મદા નહેરને નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી ૧૫-૨૦ કલાક અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
પૂર્વોત્તરના રાજ્ય આસામમાં પણ ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં અનેક ભાગોમાં નદીઓ જોખમી સ્તરથી ઉપર વહી રહી છે. બ્રહ્મપુત્રા નદી જોરહાટ જિલ્લાના નેમાતિઘાટ ખાતે લાલ ચિહ્નથી ઉપર છે. કામપુરમાં કોપિલિ અને કામરૂપ જિલ્લામાં પુથિમારીમાં પણ નદીઓએ ડેન્જર ઝોન વટાવી દીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલતા મુશળધાર વરસાદના કારણે રાજ્યના ૧૦ જિલ્લામાં ૩૭,૫૩૫ લોકોને અસર થઈ છે.
બિહારના પાટનગર પટનામાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે મુખ્યમંત્રી નિતિશ કુમારને પણ રવિવારે ગરમી અનુભવાઈ હતી. બિહારના સૌપ્રથમ નાયબ મુખ્યમંત્રી અનુગ્રહ નારાયણ સિંહની જન્મ જયંતિના એક કાર્યક્રમમાં નીતિશ કુમાર ગયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, શહેરમાં તિવ્ર ગરમી છે. રવિવારે અહીં તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર હતું.