- અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ
- વસ્ત્રાપુર, થલતેજ સહિતના વિસ્તારમાં વરસાદ
- સરખેજ, જુહાપુરા, વેજલપુરમાં વરસાદ
બોપલમાં સૌથી વધુ 6.67 ઇંચ વરસાદ
આજે અમદાવાદ શહેરમાં દિવસભરના ઉકળાટ બાદ સમી સાંજે ભારે પવનસાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. હાલ અમદાવાદના લગભગ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. તો સાથે સાથે, એસ.જી.હાઈવે, રબારી કોલોની વિસ્તાર, સેટેલાઈટ, પ્રહલાદનગર, CTM વિસ્તાર સાર્વત્રિક વરસાદ થયો છે. તો, વસ્ત્રાપુર, થલતેજ, સરખેજ, જુહાપુરા વેજલપુર સહીત અનેક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે.
ભારે વરસાદને કારણે શાહપુરમાં દીવાલ ધરાશાયી
અમદાવાદમાં ભારે વરસાદને કારણે શાહપુરમાં દીવાલ ધરાશાયી થયાના અહેવાલ મળી રહ્યા છે. ભારે વરસાદથી શ્રી શિવશક્તિ નગરમાં દીવાલ ધરાશાયી થઇ છે. જોકે સદનસીબે દીવાલ ધરાશાયી થતા કોઈને જાનહાની નથી થઇ.
અમદાવાદ શહેરના 7 અંડરપાસ બંધ કરાયા
અમદાવાદ શહેરમાં આજે વરસેલા અનરાધાર વરસાદને પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. અમદાવાદ શહેરના 7 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. શહેરના જે અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે તેમાં મીઠાખળી, કુબેરનગર, અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે તો ઉસ્માનપુરા અને નિર્ણયનગર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. તેમજ પરિમલ અને શાહીબાગ અંડરપાસ પણ બંધ કરાયા છે.
વાસણા બેરેજના 12 ગેટ ખોલવામાં આવ્યા
અમદાવાદમાં આજે સાંજે ખાબકેલા ભારે વરસાદને કારણે વાસણા બેરેજમાં પાણીની ભરપૂર આવક થઇ હતી. જેને કારણે વાસણા બેરેજના 12 ગેટ ખોલવામાં આવ્યા હતા. વાસણા બેરેજના 12 ગેટ સાડા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે.
રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ધોધમાર વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. હાલ સ્થિતિ એવી થઇ ગઈ છે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો, શ્યામલથી માણેકબાગનો રસ્તો બન્યો જળમગ્ન બન્યો છે.