હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ આગાહી અન્વયે રાજકોટ શહેરમાં સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ શહેર અને ગ્રામ્યમાં જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું હતું સાથોસાથ શહેરભરમાં જોરદાર વરસાદ વરસી પડ્યો હતો જોતજોતામાં જ રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદીઓ વહેવા લાગી હતી.
રાજકોટમાં વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદી વરસી રહ્યો છે. જેમાં એક સમયએ ચોમાસા જેવો માહોલ બંધાઈ ગયો હતો. આ દરમિયાન પશ્ચિમ રાજકોટમાં અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી હતું. જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજકોટમાં લગ્નમાં વરસાદ વિઘ્ન બન્યો છે. કાલાવડ રોડ પર લગ્નનો મંડપ ધરાશાયી થયો છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ વરસતા લોકો પરેશાન થયા છે. જેમાં વિવિધ સ્થાનો પર ચાલુ લગ્નમાં વરસાદના કારણે ભાગદોડ જોવા મળી છે. વરસાદના કારણે લોકો ગાડી સાથે રસ્તા પર સ્લીપ થતાં જોવા મળ્યા છે.
જ્યાં બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. પડધરી, તરઘડી સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમજ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે જેના કારણે તૈયાર પાકને નુકસાન પહોંચ્યો છે.