સીએએ (સીટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ) ભારતમાં અમલી થતાં અમેરિકા સ્થિત હિન્દુ સંગઠનોમાં આનંદની લહેરખી પ્રસરી છે. આ કાનુનથી ભારત બહારથી આવેલા (નિર્વાસિતો)માં મુસ્લિમો સિવાય દરેક મૂળ ભારતીયોને માટે ભારતની નાગરિકતા માટેનો માર્ગ સાફ થઈ ગયો છે.
આ કાનુન અમલી બનતાં અમેરિકા સહિત દુનિયાભરમાં હિંદુ સંગઠનોએ આનંદ વ્યકત કર્યો છે.
અમેરિકા સ્થિત હિન્દુ સંગઠનોના એક છત્ર નીચેના સમૂહના એકિઝકયુટિવ ડાયરેકટર સુહાગ શુકલએ કહ્યું હતું કે જે કાનુનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે લાગુ કરવાની જરૂર હતી જ. હવે તે કાયદો લાગુ થવાથી શરણાર્થીઓને સુરક્ષા મળશે.
ઉલ્લેખનીય છે કે ચોવીશની ચૂંટણી પહેલા જ ભારતમાં સીએએ અમલી થઈ ચૂકયો છે. આ અંગે અમેરિકા સ્થિત હિન્દુ સંગઠનોએ કહ્યું હતું કે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે અમેરિકાના બોટિનબર્ગ એમેન્ડમેન્ટ સમાન બની રહ્યો છે.
અમેરિકા સ્થિત હિન્દુ-અમેરિકન ફેડરેશન (એચ.એ.એફ.) દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘણીવાર સીએએ અંગે ખોટી માહિતી આપવામાં આવે છે. સીએએ કોઇ પણ ભારતીય નાગરિકની ભારતીયતા બદલતો નથી કે તે સામાન્ય નાગરિક માટે તપાસ કરવાનું પણ કહેતો નથી. સાથે મુસ્લિમોને પણ ભારતમાં આવતા રોકતો નથી.
કો-એસોસિએશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકાના પુષ્પિતા પ્રસાદે કહ્યું હતું કે તે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ઉત્પીડિત ધાર્મિક લઘુમતિઓના માનવ અધિકારો સંબંધી એક મોટો વિજય છે. તેથી ભારતમાં વસતા લોકો ઉપર તો કોઈ અસર થવાની નથી.
આ સીએએનું નોટિફિકેશન પ્રસિદ્ધ થયાથી હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ૨૦૧૪ પહેલા ભારતમાં આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળવી શરૂ થઈ જશે. આ કાનુન નીચે મોદી- સરકાર, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી આવેલ પ્રતાહિત (હેરાન કરાયેલા) બિન મુસ્લિમ શરણાર્થીઓ – હિન્દુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને ભારતીય નાગિરકતા આપવી શરૂ થઈ જશે.
વાસ્તવમાં આ કાનુન ૨૦૧૯ના ડિસેમ્બરમાં જ પસાર થઈ ગયો હતો તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી. પરંતુ ગઇકાલે સાંજે તેનું નોટિફિકેશન પ્રસિદ્ધ થતાં તે દેશભરમાં અમલી બને છે.
ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ગૃહ મંત્રાલયે એક પોર્ટલ તૈયાર કર્યું છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન થશે. આ અંગે અધિકારીએ કહ્યું હતું કે આ આવેદન રજૂ કરનારે, માત્ર તેટલું જ જણાવવું પડશે કે તેઓ કયા વર્ષે દસ્તાવેજો સિવાય ભારતમાં આવ્યા હતા. આવેદકો પાસેથી કોઈ દસ્તાવેજ માગવામાં આવનાર નથી. આ કાનૂનથી ભારતના ૩ પાડોશી દેશોમાંથી ભારત આવનાર તે દેશોની લઘુમતિઓને દસ્તાવેજો વિના પણ ભારતમાં નાગરિકત્વ મળી શકશે.