અર્જુન ડાંગર, નવીન જોશી પાકિસ્તાનને અડીને આવેલા કચ્છનાં સરહદી ગામોમાં છેલ્લા લાંબા સમયથી સરકારની આંખતળે હિન્દુ વસતી સતત ઘટી રહી છે. ઉચ્ચ શિક્ષણ, પાણી અને આરોગ્યની પૂરતી સુવિધા ન હોવાથી અને સામાજિક બદલાવના લીધે પાટીદારોનાં સરહદી 75 ગામોમાં 80 ટકા હિન્દુ વસતી પલાયન કરી ગઇ છે. આ વાત છાની ન હોવા છતાં સરકાર હજુ નિદ્રામાં છે. બીજીબાજુ સરકાર પર આશા ન રાખી કડવા પાટીદાર જેવા સમાજોએ અસ્તિત્વ ટકાવી રાખવા હવે ધર્મનો સહારો લીધો છે. જેની આગેવાની નખત્રાણાના તાલુકાના કોટડા જડોદર ગામે લીધી છે.
આ ગામમાં હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ એકજૂટ થઇ છે. અહીં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં એક સમયે આરતી વખતે પણ પાંખી હાજરી રહેતી હતી, હવે દૈનિક સાંજે 150થી વધુ નાનાં બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિના ભાવિકો ઉમંગભેર જોડાય છે. અને રોજેરોજ સાંજે દિવાળી જેવો માહોલ સર્જાય છે ! અમે કોટડા (જ) ગામમાં પહોંચ્યા ત્યારે મંદિરમાં આરતીની તૈયારીઓ થઇ રહી હતી.
મંદિરમાં જ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર હતા. જેમાં સીકે પટેલ ડો. શાંતિલાલ સેંઘાણી, પાટીદાર સમાજના મંત્રી રમેશભાઇ નાયાણી, કેન્દ્રીય સમાજના ઉપપ્રમુખ રાજેશભાઇ દિવાણી, સુનિલ પરસોતમ ભગત, મણિલાલ ધનાણી હાજર હતાં. સંવાદ દરમિયાન તેમની આંખોમાં એક અજાણ્યો ડર, અજંપો અને આશાનું કિરણ પણ દેખાઇ રહ્યું હતું. આ અગ્રણીઓએ જણાવ્યુ હતું કે એક સમયે ગામમાં 12 હજાર પાટીદારોની વસતી હતી. જેમાં સાત હજાર તો કાયમી વસવાટ કરતા હતા. આજે માત્ર 1200 પાટીદાર છે ! પશ્ચિમ ઝોનના 75 પાટીદારોના ગામમાં આવી જ સ્થિતિ છે. 80 ટકા પાટીદારો અને અન્ય હિન્દુ વસતી ઘટી ગઇ છે.
સતત ઘટતી જતી સમાજ અને હિન્દુઓની વસતીના લીધે હવે ગામના મંદિરથી જ નવી આશાનો જન્મ થયો હતો. ગામ લોકોએ કહ્યું કે કેવી રીતે લોકોને મંદિરે આવતા કર્યા અને ગામમાં સામાજિક સમરતા આવી ગઇ. આ વાતચીત ચાલુ હતી ત્યારે જ આરતીનો સમય આવતા તમામ લોકો મંદિર પહોંચી ગયા હતાં. મંદિરે જોયુ તો નાના બાળકો હાથમાં ધજા, ઘંટ, ઢોલક,શંખ સાથે ગોઠવાઇ ગયા હતાં. અંદાજે 150 જેટલા લોકો મંદિરમાં હાજર હતાં.
આરતી શરૂ થતાની સાથે સંપૂર્ણ વાતાવરણ ભક્તિમય બની ગયો, જાણે આ કોઇ સરહદનુ ગામ નહીં દ્વારકા કે મથુરા જેવુ યાત્રાધામ હોય ! એટલુ જ નહીં આરતી પૂર્ણ થયા બાદ બાળકોના વધુ એક સંસ્કારના દર્શન થાય છે. એક પછી એક નાના ભુલકાઓ ચરણબધ્ધ ભગવાનના દર્શન કરી હાજર સૌકોઇ વડીલોના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઇ ઘરે જાય છે. હાજર મહિલાઓ અને પુરુષો પણ જય લક્ષ્મી નારાયણના નાદ સાથે એકમેકને મળીને પરત ફરે છે.
એક ગામના આ ધર્મ પ્રયોગે અનેક રાહ ચિંધી બતાવી છે. હવે માત્ર સરકાર જાગે અને સુવિધા ઊભી કરે તો સુના થઇ રહેલા ગામો ફરી ધબકતા થઇ શકે તેમ છે. વડીલોએ કહ્યુ કે ફેશન, ભૌતિકવાદ, દેખાદેખીમાં મંદિરથી દૂર થવાના પરિણામ જોઇ લીધા, હવે છેલ્લા શ્વાસ સુધી મૂર્તિ, મંદિર-ભગવાન છોડવા નથી. આજ એક અમર આશરો છે.અહીં સાંજના મંદિરે આવતા દરેક ભાવિકોને તૈયાર પ્રસાદ અપાય છે જેને કારણે નાના બાળકોમાં પણ મંદિરને પહોંચવાની તાલાવેલી રહે છે.
બાળકો મંદિરમાં ભગવાનના દર્શન તો કરે જ છે. દરેક મોટેરાંને પગે લાગી આશીર્વાદ પણ મેળવે છે જેના કારણે બાળકોમાં નાનપણથી જ વડીલોને માન-સન્માન આપવાના ગુણ કેળવાય છે. વળી બાળકોને ભાવે તેવા પ્રસાદ ચક્કી, ચોકલેટ અપાય છે. અહીં મંદિરે આરતીમાં ઢોલ વગાડતા બાળક નિરવ વાડીયાએ જણાવ્યું હતું કે ઢોલ વગાડવાનો શોખ હતો. હવે ધર્મ પ્રત્યે ઋચિ વધી ગઇ છે. આપણી સંસ્કૃતિ હવે સારી રીતે જાણી શક્યો છું.ગામમાં રામધૂનના રાગ પરથી કયા સમાજમાં મરણ થયુ તેની જાણ થઇ જાય ગામમાં કોઇ પણ હિન્દુ જ્ઞાતિમાં મરણ થાય ત્યારે પરોઢે જ મંદિરના લાઉડ સ્પિકર પરથી રામધૂન બોલાવાય છે.
કચ્છના કોટડા (જડોદર) ગામમાં બાળકોમાં સંસ્કાર,સંસ્કૃતિનું જતન, ધર્મનું રક્ષ્ણ માટે હિન્દુ ધર્મની સમિતિઓ બનાવાઇ, બાળકોને મંદિરોમાં આવતા કર્યા, બહાર રહેતા સમાજના લોકોને પણ જન્માષ્ટમીએ ગામમાં અચૂક આવવાની પરંપરા શરૂ થઇ
હિન્દુઓની વસતી ઘટતાં આ ફેરફાર થયા
પાટીદાર અગ્રણીઓએ જણાવ્યુ હતું કે હિન્દુઓની વસતી ઘટતા દબાણની પ્રવૃતીઓ વધી છે. બહારની વસતી આવી રહી છે, તેથી સ્થાનિક સાથે ઘર્ષણ થાય છે. ચૂંટણી પર પણ તેની અસર હવે થઇ રહી છે. આ ગામોમાં બહારથી આવી રહેલા લોકો દબાણો કરીને રહે છે. તેથી વોટબેંકની રાજનીતિના કારણે અહીં રાજનેતાઓની ગ્રાન્ટ પણ વિકાસકામોમાં વપરાવા લાગી છે.
હિન્દુઓના તમામ સમાજને સાથે લઇ વિષ્ણુસમાજ બનાવી સમરસતા
ગામમાં કેટલાક એવા બનાવો બન્યા કે જેના લીધે હિન્દુઓ તમામ એકજુટ થઇ ગયા છે. આ તમામ સમાજ વિષ્ણુસમાજના નામ હેઠળ એક થઇ ગામમાં હનુમાન જયંતી, ગણેશ મહોત્સવ જેવા તહેવારો ઊજવે છે. એકબીજા સમાજના ઉત્સવોમાં હોંશેહોંશે સામેલ થાય છે. વટલાઇ ગયેલા લોકોને ફરી હિન્દુ ધર્મમાં લાવવા પાટીદાર સમાજે જ્ઞાતિનું સ્મશાન વિનામૂલ્યે ઉપયોગ કરવા આપી દીધું છે.
મંદિરમાં આવી રીતે લોકોને આવતા કર્યા
ગામના મંદિરે લોકોને આવતા કરવા મગનલાલ મુળજી ભગતે પ્રયાસ શરૂ કર્યો હતો. ગામના લક્ષ્મીનારાયણ મંદિરમાં નિયમીત દર્શને આવતા ભક્તોને દર મહિને અજવાળી તેરસના લાડુનો પ્રસાદ અપાય છે. છેલ્લા 15 મહિનાથી દાતાઅોના સહકારથી થઇ રહેલા અા પ્રવૃત્તિને કારણે સાંજની આરતીમાં આવતા ભાવિકોમાં ચમત્કારિક વધારો નોંધાયો છે.
ગામો ધબકતાં કરવા આટલું થવું જોઇએ
- લખપત સુધી નર્મદાની કેનાલ પહોંચવી જોઇએ.
- શિક્ષણ,આરોગ્ય, પ્રવાસનનો વિકાસ તાત્કાલિક કરાય.
- નલિયા સુધી પ્રવાસી ટ્રેનની કામગીરીમાં ઝડપ લાવવી.
- અહીં તમામ સરકારી કચેરીઓમાં સ્ટાફ ઘટ દૂર કરાય.
- અહીંના વિસ્તારોને વિશેષ દરજ્જો આપીને સરકારી કામો થવા જોઇએ.
- અહીં કાયદો અને વ્યવસ્થા વધારે મજબૂત કરવા.
- બાળ સંસ્કાર કેન્દ્રોથી લઇને અનેક પ્રોજેક્ટ પર કાર્ય શરૂ.
- કડવા પાટીદાર સમાજનાં 140 ગામોમાં મંદિરોને ધબકતાં કરવાના પ્રોજેક્ટ પર દેશલપરમાં આવેલ લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન સંસ્કારધામ દ્વારા પ્રયાસો થઇ રહ્યા છે.
- લાખોના ખર્ચે બનેલા મંદિરોને લોકોની આસ્થા અને શ્રદ્ધાના બળે ધબકતા કરવા માટે બાળ સંસ્કાર કેન્દ્રો, શિબિરો યોજાઇ રહ્યા હોવાનું ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના મંત્રી પ્રવીણભાઇ ધોળુએ જણાવ્યુ હતું.