ઈડર તાલુકાના જાદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેશરપુરા ગામે ૨ દિવસ અગાઉ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજર રહેલ મહિલાની ૬ જણાએ મશ્કરી કરતાં આ મહિલાએ મશ્કરી કરવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા ૬ જણાએ એકસંપ થઈને ગેરકાયદે મંડળી જોકે રચી મહિલાને ખુરશીમાંથી નીચે પાડી દઈ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી જાતિ વિરૂધ્ધ ચના ઉચ્ચારણો કરી અપમાનિત કર્યા હોવાના આક્ષેપ સાથેની
ફરિયાદ બુધવારે જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે કેશરપુરા ગામના પિયુષભાઈ રમેશચંદ્ર પરીખે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.૫ નવેમ્બરના રોજ કેશરપુરા ગામે તેમની માતા અળખીબેન પોતાના મકાનની પાછળ આવેલ આંગણવાડીના આગળના ભાગે ધાર્મિક કાર્યક્રમમાં હાજર હતા અને તેણી ખુરશીમાં બેઠા હતા ત્યારે ગામના જ મોમીન સરફરાજ ઉર્ફે લાલો મુસ્તાકભાઈ, સૈફઅલી સરફરાજ મોમીન,
મહેબુબભાઈ મુસ્તાકભાઈ મોમીન, અબ્દુલભાઈ મોહમદભાઈ દાંત્રોલીયા, ઉમરભાઈ ઈસ્માઈલભાઈ સાલેજી અને શબાનાબેન સરફરાજભાઈ મોમીને એકસંપ થઈને પિયુષભાઈ પરીખના માતા અળખીબેનની મશ્કરી કરતાં હતા.
જેથી અળખીબેને ઠઠ્ઠા મશ્કરી નહીં કરવા કહેતાં આ ૬ જણાએ એકસંપ થઈને ગેરકાયદે મંડળી રચી પિયુષભાઈને જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કરી અપમાનિત કર્યા હતા. ત્યારબાદ અળખીબેનને ખુરશીમાંથી નીચે પાડી દઈ મહેબુબભાઈ મોમીને તિક્ષ્ણ છરાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ સરફરાજ મોમીને છુટા પથ્થરો મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પિયુષભાઈએ છ જણા વિરૂધ્ધ બુધવારે જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.