અમદાવાદની એક દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે, જનતાને ગમતા અને દેશહિતમાં લેવાતા દરેક મોટા નિર્ણયનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે, તો પછી પ્રજા તેમને મત શા માટે આપે—આ સવાલ પોતે જ ઉભો થાય છે. તેમણે સ્પષ્ટ રાજકીય ભવિષ્યવાણી કરતાં કહ્યું કે વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે અને ભાજપ સરકાર ફરી સત્તામાં આવશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “રાહુલ બાબા, હારથી થાકશો નહીં. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં પણ તમને હરાવીશું, એ લખી રાખજો.”
નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં સંબોધન કરતાં અમિત શાહે જણાવ્યું કે ભાજપે જ્યારે રામ મંદિરનું નિર્માણ કર્યું, કલમ 370 દૂર કરી, કોમન સિવિલ કોડની વાત કરી અથવા પાકિસ્તાન સામે એર સ્ટ્રાઈક કરી, ત્યારે દરેક વખતે વિપક્ષે તેનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે જનતાને જે નિર્ણયો ગમે છે, દેશને મજબૂત બનાવે છે અને વિકાસ તરફ દોરી જાય છે, એ તમામ મુદ્દાઓનો વિપક્ષ વિરોધ કરે છે, તો પછી જનતા તેમને મત ક્યાંથી આપે? રાહુલ ગાંધી પર વ્યંગ કરતા તેમણે કહ્યું કે જેને પોતાની પાર્ટીના લોકો પણ સમજાવી શકતા નથી, તેને વિરોધીઓ સમજાવી શકે એવી અપેક્ષા રાખવી બિનઅર્થક છે.
અમિત શાહે આગળ જણાવ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં પૂછેલો સવાલ—દર વખત અમે ચૂંટણી કેમ હારી જઈએ છીએ—તેનો જવાબ આ જ બે કાર્યક્રમોમાં છુપાયેલો છે. તેમણે કહ્યું કે અહીં કોઈ મોટું આંદોલન થયું નથી, કોઈએ અવરોધ પણ કર્યો નથી, છતાં વર્ષોથી પડેલી માંગણીઓ સંવેદનશીલતાથી પૂર્ણ કરવામાં આવી છે. જનતા માંગે કે ન માંગે, તેમ છતાં જનહિતમાં કામ કરવાનું કાર્ય ભાજપ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું છે. આ જ ભાજપના સિદ્ધાંતો અને કાર્યશૈલીના કારણે 2029માં પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ સાથે તેમણે રાહુલ ગાંધી પર વધુ ટીકાં કરતા કહ્યું કે તેઓ લોકોની વાસ્તવિક સમસ્યાઓ સમજવાને બદલે “સર” સમજવામાં વધુ વ્યસ્ત રહ્યા છે, જ્યારે જનતાની સેવા અને વિકાસ માટે જમીન પર કામ કરવું એ નેતૃત્વનું મુખ્ય કાર્ય છે. અમદાવાદ પ્રવાસ દરમિયાન અમિત શાહે વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત યુવા બિઝનેસ સંમેલનમાં પણ હાજરી આપી હતી અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નવા વરાયેલાં પદાધિકારીઓની શપથવિધિમાં પણ તેમની પ્રોત્સાહક ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel