ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડ હાલમાં પછાત વર્ગ અને મહિલાની કોર્ટમાં હિસ્સેદારી લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોર્ટમાં હાલ મહિલાઓની ભાગીદારીમાં વધારો થતો જોવા મળે છે. એવામાં તેમણે પછાત વર્ગ અને મહિલાઓની ભાગીદારીને હજુ વધારવા માટે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, જો આપણે પછાત વર્ગને સારી તક અપાવી હશે તો આપણે પહેલા તેના ફાયદાઓ જોવા પડશે. ઉચ્ચ શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી ઓછી છે અને મોટાભાગની પરિક્ષા વિશે જો વાત કરવામાં આવે તો તે અંગ્રેજી ભાષામાં હોય છે તો એવામાં જે લોકો અંગ્રેજી માહોલમાં નથી રહ્યા તે ફેલ થઇ જાય છે.
મહિલાઓની ભાગીદારી વધારવા આ માનસિકતામાં સુધારની જરૂર : CJI
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, ચેમ્બર ઓફ સિનિયર્સમાં પ્રવેશ મેળવવા માટે એક અનૌપચારિક પ્રક્રિયા પણ છે. આવી સ્થિતિના કારણે જ ઘણા લોકો આગળ વધી શકતા નથી. પરંતુ આ બધામાં સારી વાત એ છે કે ભારતમાં જિલ્લા સ્તર પર કોર્ટમાં પુરૂષો કરતાં વધુ મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર કોર્ટની જો વાત કરવામાં આવે તો 120 માંથી 70 મહિલાઓની નિમણુંક કરવામાં આવે છે. જ્યારે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વિશેની વાત આવે ત્યારે એવી માનસિકતા હોય છે કે, પરિવાર તેમજ બાળકોના ઉછેર જેવી જવાબદારી મહિલાઓની હોય છે. જ્યાં સુધી આપણે આ વિચારસરણી નહીં બદલીએ ત્યાં સુધી સુધારો શક્ય નથી. જ્યાં સુધી આપણે નીચલા સ્તરે પછાત લોકો અને મહિલાઓને સામેલ કરવાનું શરૂ નહીં કરીએ ત્યાં સુધી ઉપરના સ્તરે કોઈ સુધારો થશે નહીં. પરંતુ પરિવર્તનની શરૂઆત થઇ ગઈ છે અને આગામી 10 વર્ષમાં મહિલાઓ ઉચ્ચ સ્તરે જવાબદારી નિભાવશે.