ભાવિક ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેમજ વ્યવસ્થા ન ખોરવાય તે માટે વોચટાવરની મદદથી ૨૪ કલાક સતત કરાઈ રહેલું નિરીક્ષણ
માં નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે આવતા ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતી માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત રાત-દિવસ ગોઠવવામાં આવ્યો છે. તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુએ ભાવિકો માટે ઉભી કરાયેલી આરોગ્ય, પાણી, લાઈટ, માર્ગો, મોબાઈલ ટોઈલેટ-ચેન્જિંગ રૂમ, પંડાલ, બેઠક વ્યવસ્થાઓ, ફુવારા દ્વારા સ્નાન સહિત તમામ વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્ણ નિરીક્ષણ કર્યુ હતું. અને અહીં આવતા ધસારા અંગે પણ ક્યાસ મેળવ્યો હતો અને તેમને પરિક્રમા રૂટમાં કઈ તકલીફ ન પડે સરળ રીતે પરિક્રમા કરીને જાય તેવી સુંદર વ્યવસ્થા ગુજરાત પવિત્ર યાત્રા ધામ બોર્ડના સહયોગથી સુવિધા કરાઈ છે.
શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેમજ ભીડ અનિયંત્રિત ન થાય તેવા ઉદ્દેશથી પોલીસ વિભાગના વડાશ્રી પ્રશાંત શુંબેએ પણ પરિક્રમાનું નિરીક્ષણ કરીને બંદોબસ્તના પોઇન્ટ નક્કી કર્યા હતા અને જવાનો વોચ ટાવરની મદદથી ભાવિક ભક્તો તેમજ આસપાસની ડિઝાસ્ટરની ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યાં છે. પોલીસ જવાનોની ટુકડી સમયાંતરે પરિક્રમા રૂટ પર પણ સતત ધ્યાન આપી પેટ્રોલિંગ કરી રહી છે. નર્મદા જિલ્લાની પાવન ભૂમિ પર પદયાત્રા દ્વારા પરિક્રમા થઈ રહેલી આ માં નર્મદાની પરિક્રમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ પુરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ ગોઠવી છે. જેની ભાવિકો પણ નોંધ લઈ રહ્યા છે. અને રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાં પણ પ્રસાર-પ્રસારના કારણે લોકમાતા માં નર્મદા લોકપ્રિય અને આસ્થા શ્રદ્ધાન વિશ્વસ સાથે નર્મદે સર્વદે સૌને સુખ દે, નર્મદે હરના નારાથી સવારથી સાંજથી અને રાત્રી દરમિયાન પણ માર્ગો ગુંજી રહ્યા છે અને ભક્તો મનમૂકીને પરિક્રમા કરી રહ્યા છે.